Friday, June 14, 2019

ન શીખવા જેવું બધું આવડી જતું હોય છે!

ખરેખર! એ જ પંખીથી નથી છૂટતો કદી માળો, 
કે જેની પાંખમાં આકાશનો અહેસાસ હોય છે.

   સારું શીખવું પડતું હોય છે અને ખરાબ આપોઆપ આવડી જતું હોય છે. સુવાક્યો યાદ રાખવા પડે છે અને ગાળ કોઈ શીખવાડતુ નથી, છતાં આવડી જતી હોય છે! માણસે સારા રહેવું હોય તો ખરાબથી દૂર રહેવું પડે છે. જિંદગીમાં શીખવાનું એ જ હોય છે કે આપણને ખબર હોય કે શું શીખવા જેવું નથી. માણસ બેઝિકલી સારો જ હોય છે, જ્યાં સુધી બુરાઈને એ પોતાનામાં પ્રવેશવા ન દે ત્યાં સુધી તેની સારાઈ ટકી રહે છે. સારા ન બનો તો કંઈ નહીં, ખરાબથી દૂર રહો તો તમે સારા જ છો. આપણી મુશ્કેલી એ છે કે આપણે ન કરવા જેવું કરીએ છીએ એટલે કરવા જેવું રહી જાય છે!

   માણસનો સ્વભાવ છે કે જેની ના પાડવામાં આવે એવું એ પહેલા કરે છે. માણસને પરચો ન મળે ત્યાં સુધી એ સમજતો નથી. એક બાળક હતું. ઘરમાં સળગતા દીવા પાસે જાય ત્યારે તેની માતા તેને કહેતી કે દીવા નજીક ન જા, દાઝી જઈશ. બાળકને એટલી સમજ ન હતી કે દાઝી જવું એટલે શું? તેને સતત કૂતુહલ થતું કે દીવાને અડીએ તો શું થાય? એક દિવસ એ દીવાને અડ્યો અને દાઝયો, પછી કાયમ આગથી દૂર રહેતો. આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે ઠોકર ખાઈએ છીએ. ઠોકર ખાઈને પણ સમજી જતી વ્યક્તિ શાણી છે, પણ આપણે તો એકની એક ભૂલ વારંવાર કરીએ છીએ!

   કોને ખબર નથી કે ગુસ્સો કરવો ખરાબ છે? છતાં દરેક વ્યક્તિ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય છે. અશાંત રહેવા માટે પ્રયત્ન કરવા પડતા નથી. અને શાંતિ માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે શિબિરોમાં જવું પડે છે. જિંદગી તો સરળ જ હોય છે, આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ દાખલાને અઘરો કરી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે મને આનો ઉકેલ મળતો નથી!

   આપણે ભૂલો કરીએ છીએ અને પછી નામ આપીએ છીએ સંજોગોનું અને નસીબનું. વાંક આપણો હોય તો પણ આપણે દોષનો ટોપલો કોઈના માથે ઢોળવાનું ચાલુ રાખીએ છીએ. માણસને બધું જ બહુ સરળતાથી મેળવી લેવું છે,  ટૂંકા રસ્તે મંઝિલે પહોંચવું છે, આપણે શોર્ટકટ્સ શોધતા રહીએ છીએ. લાંચ લેનાર માણસને ક્યારેય એવો વિચાર નથી આવતો કે લાંચ લેતા પકડાઈશ તો શું થશે? એ સતત એવુ જ વિચારતો હોય છે કે શું ધ્યાન રાખું તો લાંચ લેતા ન પકડાંઉ? માણસે એટલું બધું દૂર જવું ન જોઈએ કે જ્યાંથી એ ઇચ્છે તો પણ પાછો ન ફરી શકે. આપણે કેટલું બધું ન  શીખવાનું શીખી લેતા હોઈએ છીએ? એક બાળક શાળામાં શિક્ષકના મોઢે ખોટું બોલ્યો. શિક્ષકે થોડાક સવાલ પૂછ્યા તો પકડાઈ ગયો. આખરે શિક્ષકે તેને સવાલ કર્યો કે, "તને ખોટું બોલતા કોણે શીખવ્યું?" બાળકે જવાબ આપ્યો કે "કોઈએ નહીં, એ તો હું મારી રીતે વિચારીને જ બોલ્યો હતો." શિક્ષકે પછી કહ્યું કે, "તને જેટલું શીખવાડાય એટલું જ શીખ અને તને અમારી પાસે સારું શીખવા જ મોકલ્યો છે. અમે તો તને સારું શીખવ્યું, તારે શું શીખવું એ તારે નક્કી કરવાનું છે."

   જિંદગીમાં આપણે કેટલું બધું નકામું શીખતા હોઈએ છીએ? એક પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓને કહ્યું કે "લર્ન કરવું" એ સારી વાત છે,  પણ તેનાથી મોટી વાત "અનલર્ન" કરતા શીખવાની છે! હા, આપણે  દરેક વસ્તુ ભૂંસી કે ભૂલી શકતા નથી, પણ આપણે ઇચ્છીએ તો ખંખેરી જરૂર શકાય. આપણે કહીએ છીએ કે સંઘરેલો સાપ પણ કામ લાગે પણ સાપ ક્યારે સંઘરાય નહીં, કારણ કે સંઘરેલો સાપ ક્યારેક ડંશ પણ મારી દે! જે કરવા જેવું હોય એ જ કરવું જોઈએ.

   એક યુવાન ગુરુ પાસે બાણવિદ્યા શીખવા ગયો. ગુરુ તેની તીર અને કમાન ગોઠવીને પણછ ખેંચવાનું કહે. એ યુવાન ખોટી આંગળીથી તીર ખેંચે અને દરેક વખતે તીર નિશાન ચૂકી જાય. છેવટે ગુરુએ કહ્યું કે આ તું જે તારી રીતે કરે છે એ ખોટું છે, તું એ ભૂલ સુધારી લે. અમે મોટાભાગે સફળ કેમ જવું એ શીખવાડતા જ નથી પણ નિષ્ફળ કેમ ન જવું એ જ શીખવાડતા હોઈએ છીએ. તમે તમારી ખામીઓને સુધારી લો તો તમે સફળ થવાના જ છો.

  સારું તો આપણને સતત શીખવવામાં આવે છે. કેમ સુખી થવું તે વાત વારંવાર આપણી સામે આવે છે, પણ આપણે તેને ગણકારતા નથી, ખોટું ન બોલવું, ગુસ્સો ન કરવો, સ્વાર્થ ન રાખવો, વેરઝેર આફત જ નોતરે છે. કોઈનું બૂરું ન ઇચ્છવું, કોઈને નફરત ન કરવી, કોઈ ને દગો ન કરવો, કોઈનો વિશ્વાસ ન તોડવો, આમાંથી કઈ વાત આપણને ખબર નથી? બધી જ વાત આપણને નાનપણથી શીખવવામાં આવે છે, પણ આપણે કેટલું શીખીએ છીએ? આપણે એવું જ કરીએ છીએ જે આપણને કોઈએ શીખવ્યું હોતું નથી. આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો? આપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે! તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહી શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે.

  આપણે આખી જિંદગી આપણી જ વ્યક્તિની દુખતી રગ શોધતા રહીએ છીએ અને પછી એ દબાવતા રહીએ છીએ. આપણને કેમ સુખની રગ શોધવાની ઈચ્છા થતી નથી? કોઈને દુઃખી જોવા ઈચ્છતી વ્યક્તિ ક્યારેય સુખી થતી નથી! દરેક વ્યક્તિને ખબર હોય છે કે એનું સુખ શેમાં છે, પણ એને જે ખબર હોય છે એ કરી શકતો નથી.

   તમે શું શીખો છો તેના ઉપરથી જ નક્કી થતું હોય છે કે તમે કેવા છો. તમે કેવા છો એ સમજવું હોય તો તમે એ જાણી લો કે લોકો તમારી ગેરહાજરીમાં તમારા વિશે શું બોલે છે? જોકે આપણે લોકો આપણી હાજરીમાં જે બોલે છે એને જ સાચું માની લઈએ છીએ. આપણે એવું જ કરીએ છીએ જેને આપણે સાચું માનતા હોઈએ છીએ. આપણે જે સાચું માનીએ છીએ ખરેખર સાચું છે કે નહીં તે સમજવાની પણ આપણે દરકાર કરતા નથી. આપણે જ નક્કી કરી લઈએ છીએ કે આમ જ હોય, આ જ રીત સાચી છે. ખોટી વાત આપણને બહુ ઝડપથી સાચી લાગતી હોય છે. આપણે કહીએ અને સાંભળીએ છીએ કે દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે... દુનિયા ઝૂકી એટલે આપણી જાતની સાચા માની લેતા હોઈએ છીએ. આપણી ઝુકાવવાની રીત સાચી છે કે ખોટી એ વિચારવાની આપણે તસ્દી લેતા નથી. ઘણી સફળતા પણ ભ્રામક હોય છે. સાચા રસ્તે અને ખરી મહેનતે મળતી સફળતા જ સુખ અને શાંતિ આપે છે. તમારો માર્ગ તમે નક્કી કરો, પણ એ માર્ગ સાચો છે તેની પહેલાં ખાતરી કરો. શું કરવું છે એ નક્કી કરતા પહેલા શું નથી કરવું એ નક્કી કરો, એ પછી તમે જે કરશો એ સાચું અને સારું જ હશે.

-: લાસ્ટ લાઈન :-

 આદતોને જો રોકવામાં ન આવે તો તે બહુ ઝડપથી ટેવ બની જાય છે.

Tuesday, June 11, 2019

જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે... !!

  દરેક વ્યક્તિ કોઈને કોઈ ફરિયાદ સાથે જીવે છે. દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામ ખૂટતા નથી!

   જિંદગી એ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે. જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ભય, નવી અપેક્ષા, નવો ઉત્સાહ અને નવા શ્વાસ લઈને આવે છે. હવે પછીના પાના પર શું લખ્યું છે એ આપણને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પાનું આપણે જીવવાનું છે. 

   એક ડોક્ટર હતા. હંમેશા ખુશ રહે. એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?? ડોક્ટરે જવાબ આપ્યો કે મારી દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને! ડોક્ટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઇએ છીએ. બસ આવું જ જિંદગીનું છે! ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનું..!!

   દરેક વ્યક્તિ દવા ખાય ત્યારે આવું જ કરે છે, જેટલી બને એટલી ઝડપથી કડવી ગોળી ઉતારી દે છે. આ જ વાત જિંદગીમાં લાગુ પાડી શકતા નથી. કડવું હોય એ ચગળ્યા રાખે છે અને મીઠું હોય એ ઉતારી દે છે! પછી અફસોસ જ કરતા રહે છે કે જિંદગી કડવી છે. જમતી વખતે કાંકરી આવી જાય તો લોકો થૂંકી નાખે છે. પણ કાંકરી જેવી દુઃખદ ઘટનાઓને ચાવ્યા રાખે છે. કાંકરી આવ્યા પછી કોઈ વ્યક્તિ જમવાનું છોડી દેતી નથી. કાંકરી થૂંકીને પાછી જમવા માંડે  છે, પણ જિંદગીમાં કંઈક એવું થાય જે દર્દ આપે તો માણસ ખંખેરી નાખતો નથી, વાગોળતો રહે છે. પેટ ભરવાનું હોય છે અને જિંદગી જીવવાની હોય છે..!!

   માણસને સૌથી વધુ ફરિયાદો કોની સામે હોય છે??  મોટાભાગે પોતાની સામે! કંઈ ન મળે તો છેવટે માણસને પોતાના નસીબ સામે ફરિયાદ હોય છે! મારું નસીબ જ ખરાબ છે! કરવું હતું કંઇક અને થઇ ગયું કંઈક! ધંધામાં જેટલા નફાનો હિસાબ કર્યો હતો એ મળ્યો નહીં. નોકરીમાં બીજા લોકો મારાથી આગળ નીકળી ગયા.આપણી આગળ કેટલા છે એની ચિંતામાં આપણે ક્યારેય જોઇ નથી શકતા કે આપણે  કેટલાની આગળ છીએ! ત્રીજા નંબરે આવેલો માણસ પહેલા બે વિજેતાની ઈર્ષ્યા કરતો રહે છે પણ પોતાની પાછળ દોડતા પચાસ એને દેખાતા નથી. એ ભૂલી જાય છે કે હું એ બધાથી આગળ છું અને મારા પ્રયાસો મુજબ મને મળ્યું છે. 

   માણસને પોતાના લોકો પ્રત્યે ફરિયાદો હોય છે. મને કોઈ સમજતું નથી. મારા નસીબમાં જ આવા લોકો લખ્યા છે. સૌથી નજીક હોય એની સામે સૌથી વધુ ફરિયાદો! બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. આપણને આખા જગત સામે ફરિયાદ છે. પણ આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણા સામે કોને અને કેટલી ફરિયાદ છે?? 

   જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે. જિંદગી રોકાતી નથી. ગઈકલ ગમે એટલી સુંદર હોય તોપણ આપણે તેને રોકી શક્યા નથી અને આજ કદાચ ખરાબ હશે તોપણ ચાલી જવાની છે. કાલની કોઈને ખબર નથી. માણસ હંમેશા આવતીકાલ સરસ હશે એવી અપેક્ષામાં જીવે છે. પણ એ સરસ દિવસ આવતી કાલે જ હોય એ નક્કી નથી!

   જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્ન તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જીંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં. જીંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોના ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો થોડી હોય છે. આવી ક્ષણોને જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય. 

   કેવું છે? માણસની જિંદગી સામે સતત ફરિયાદ હોય છે પણ મોત સામે ફરિયાદ નથી! તેનું કારણ શું? કારણ કે મોત સામે આપણી કોઈ ફરિયાદ ચાલવાની નથી! બધાને ખબર છે કે એક દિવસ મોત આવવાનું છે. ગમે એટલા ધમપછાડા કરીએ તોપણ ચાલવાનું નથી. બધાને ખબર છે કે અંતે તો બધું જ છૂટવાનું છે તોપણ માણસથી કેમ કંઈ છૂટતું નથી! આપણે કેટલું ભેગું કરવું છે એ વિચારીએ છીએ પણ શા માટે ભેગું કરવું છે એ વિચારતા નથી! તેનો જવાબ એટલો જ છે કે આપણે જીવવા માટે બધું ભેગું કરીએ છીએ, જો આ વાત હોય તો થોડું એ પણ વિચારો કે આપણે ખરેખર જીવીએ છીએ? કે પછી ફરિયાદો જ કરીએ છીએ? જીવવા માટે જોઈએ એ બધું જ આપણી પાસે હોય છે, પણ આપણે જીવતા નથી. થોડું મળે એટલે આપણે આપણા ઇરાદા ઊંચા કરી દઈએ છીએ. હા, અપેક્ષાઓ ઊંચી હોય તેમાં કંઈ ખોટું નથી પણ સાથોસાથ જે છે એ જીવાય છે ખરું? 

   યાદ રાખો બધાનું પ્લાનિંગ કરો પણ જીવવાનું પ્લાનિંગ ન કરો. કારણ કે જીવવાનું તો દરેક ક્ષણે છે. દરેક ક્ષણને જીવી જવી એ જ જિંદગી છે. ગઈકાલ પીછો છોડતી નથી એ આવતી કાલની ઉપાધી છે. આવા સંજોગોમાં આજ કેવી રીતે સારી હોય? જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. નો રિગ્રેટસ, નો કમ્પ્લેઇન. કોઈ ફરિયાદ નહીં, કોઈ શિકવા નહિ અને કોઈ અફસોસ નહીં. દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી,  કારણકે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે. 

 " જિંદગી પર નજર નાંખી જુઓ તમે જીવો તો છોને? કે પછી માત્ર ફરિયાદો કરો છો???? 
    
                               -: લાસ્ટ લાઈન :-

    "અમુક લોકો પાસે ઘણું બધું હોવા છતાં તેઓ વધુ માગ્યા કરે છે       અને પરિણામે બધું હોવા છતાં તેઓ નિર્ધન અને દુઃખી રહે છે..."

જગતનો એક જ સાર સીધાસાદા છો? તો તમે ગયા બોસ!

   સવારે ઊઠીએ અને પાણીની તકલીફથી હેરાન થતા લોકો, વાહન લઇને જઇએ તો કારવાળો મોબાઈલ પર વાતો કરતો કરતો ચલાવી પોતે સાઈડ ન આપી તમને ગાળો આપી જતો રહેશે તમે કંઈ જ નહીં બોલી શકો.

   ઓફિસમાં બોસ ગાળો આપે, કલીગ સાથે માથાકૂટ થાય, અગેઇન તમે ઢીલા પોચા હોવાથી ગાળો ખાશો. સાંજે શાકભાજીથી લઈ ઘરની ચીજવસ્તુઓ લેવા જશો તો તમને વેપારી છેતરશે, અગેઇન તમે કંઈ બોલવા જશો તો પેલો કહશે, 'સાહેબ લેવું હોય તો લો, આ જ મળશે.' અને તમે એ લઇ લેશો અને ફરી મૂંગા મોઢે એ ચલાવી લેશો.

   ચારેબાજુ એટલો ઘોંઘાટ છે કે જાણે આપણને જ આપણો નથી સંભળાતો, કરિયર બનાવવી હોય તો સિસ્ટમમાં જ રહીને કેટલાય ક્લાર્કથી માંડી ઓફિસરોને ઘૂસ આપવી પડે, આટલું કરવા છતાં પ્રોફેસર્સ સરખું ન ભણાવે તો એની ફરિયાદ કોઈ ના સાંભળે.

   ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી બસ કે ટ્રેઇનના પાસ કઢાવવા તમારે એજન્ટની જરુર પડે! તમે પૂરા પૈસા ચૂકવો છો છતાં તમને તેલ - મસાલા બધું જ ચોખ્ખું મળે જ, એની કોઈ ગેરંટી નથી! તમારે આ બધું ચલાવવાનું છે સેઈમ વે જાણે કોઈ દીકરીના મા-બાપ એને શિખામણ આપી રહ્યા છે કે સાસરે જઈ તારે  કોમ્પ્રોમાઇઝ કરવાનાં છે.  અને ચલાવી લેતા શીખવાનું છે. જો એક દિવસ માટે પણ નક્કી કરો કે મારે જૂઠું નથી બોલવું કે પછી મારે કોઈને લાંચ નથી આપવી કે પછી હું હવે કોઈની શરમ રાખ્યા વગર અન્યાય સામે અવાજ ઉઠાવીશ, લોકો તમને કોઈ એલીયન સમજી તમારી મજાક ઉડાવશે.

   કહેવાય છે ને કે આજકાલ લોકોના સ્ટેટ્સ બે રીતે જોવાય છે, એક એ કે એની પાસે કઈ કાર છે અને બીજું એ કે એના પાડોશી કોણ છે!સવારે 8 થી રાત્રે 9 વાગ્યાની આ ભાગદોડ અને જદ્દોજહદ પછી ભાન થાય છે કે બાવડા બનાવવાથી કે સીધેસાદા  બની ચૂપચાપ કામ કરવાથી કોઇ ભલીવાર નથી વળતો થોડા લુચ્ચા બનવું પડે છે. સીધાસાદા અને ભોળા લોકોની સામે માણસો વરુની જેમ જુએ છે.

   સંસારનો નિયમ છે કે જે વસ્તુ દબાવી શકાય એવી દરેક વસ્તુને લોકો રોજ દબાવશે,  જેમકે 'ડોરબેલ' અહીં સવાલ એ છે કે આપણે તો ક્યાંક એ ડોરબેલ નથી ને!

   "ભૂખ રોટી કી હોતો પૈસા કમાઈએ,
પૈસા કમાને કે લિયે ભી પૈસા ચાહિયે."

"કેટલી મજબૂર છે આ જીંદગી, 
 ખુદને મળવા પણ સમય મળતો નથી...


ક્ષણનો સાક્ષાત્કાર

   જીંદગીમાં આવેલી સુવર્ણ તક વેડફી નાખ્યાનો વસવસો ઘણાંને હોય છે. વ્યક્તિ વિચારે છે કે જો એણે અમુક ક્ષેત્રમાં જંપલાવ્યું હોત તો આજે એ ખૂબ જ ધનાઢ્ય હોત, પરંતુ એણે એ ક્ષેત્રના બદલે બીજા ક્ષેત્રમાં જંપલાવ્યું અને પરિણામે આખી જીંદગી જાત ઘસી નાખવા છતાં એ આગળ વધી શક્યો નહીં. માણસ જેવું ફરિયાદ કરનારું બીજું કોઈ પ્રાણી નથી. પોતાની ભીતરની નબળાઈ ઢાંકવા માટે એ સતત ફરિયાદના કિલ્લામાં શરણ લેતો હોય છે. તક ગુમાવ્યાની ફરિયાદ કરી કરીને એ જીંદગીમાં આવતી બીજી તકને પણ ગુમાવે છે. તક ન આવે તો તકને ઉભી કરવી પડે. ઘણી મહાન વ્યક્તિઓએ નિષ્ફળતાને આવનારી નવી સફળતાની નિશાની માની છે. આથી નિષ્ફળતા મળતા એ નિરાશ કે હતાશ થઈને પલાંઠી વાળીને બેસી રહેતા નથી, પરંતુ લાખો નિરાશામાં છુપાયેલી એક આશાને અવિશ્રાંતપણે ખોળતા હોય છે, પરિણામે જીવનમાં આવતો કસોટીનો પ્રત્યેક સમય આવનારી નવી સિદ્ધિના એંધાણરૂપ હોય છે અને તેથી સમર્થ માણસો ક્યારેય ગુમાવેલી તકના રોદડા રડતા નથી, બલ્કે નવી તક સર્જવા પુરુષાર્થ ખેડે છે.
એક એવું ઘર મળે આ વિશ્વમાં, 
 જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, 
 એક એવી હોય મહેફિલ જ્યાં મને, 
કોઈ બોલાવે નહિ ને જઈ શકું. 

માનસિક શાંતિના સચોટ ઉપાયો

પારકી પંચાત કરશો નહીં.
 તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો.
 કડવા ઘૂંટડા ગળી જજો. કદી જીવ બાળશો નહીં.
 ભૂતકાળ પર આસુ સારસો નહીં.
 તમારા વખાણ બીજા લોકો કરે એવું ઝંખશો નહીં.
 કદી કોઈની ઈર્ષ્યા કરશો નહીં.
 જે અનિવાર્ય હોય તે સહન કરી લો.
 તમારી ફરજ ક્યારેય ચૂકશો નહીં. 
 સતત સત્કાર્યોમાં જ પરોવાયેલા રહો.
 મનને  ક્યારેય નવરું રાખશો નહીં.
 અવરોધનો સામનો કરજો. હંમેશા ધીરજ રાખજો.
 સારા નરસાનો વિવેક કરતા શીખજો.
 દેખાદેખીથી દૂર રહો. લાલચમાં કદી ના લપટાવ. 
 જરૂરિયાતો ઘટાડી, કરવા યોગ્ય કામ જ કરો.
 વિચાર, વાણી, વર્તનમાં સંયમ રાખો.
 માંગ્યા વગર સલાહ આપશો નહીં.
 દલીલબાજીથી દૂર રહેજો. તમે તમારી જાતને સુધારો.
 તમારા કામની બીજા પાસે આશા ન રાખો.
 દુઃખોને ઈશ્વરની પ્રસાદી ગણીને સ્વીકારો.
 ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય કર્યે જાવ.

 जो मेरे भाग्य में नहीं है, वो दुनिया की कोई भी शक्ति मुझे नहीं दे सकती
 और मेरे भाग्य में है, उसे दुनिया की कोई भी शक्ति छीन नहीं सकती

સમય નથી...

દરેક ખુશી અહીં લોકો પાસે પણ હસવા માટે સમય નથી...
દિવસ - રાત દોડતી દુનિયામાં, 
જીંદગી માટે સમય નથી...

માઁ ના હાલરડાંનો અહેસાસ છે, પણ માઁ  માટે સમય નથી...
બધાના સંબંધો તો મરી ગયા પણ, 
તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબાઇલમાં છે, પણ મિત્રતા માટે સમય નથી...
પારકાઓની શું વાત કરવી, 
પોતાના માટે પણ સમય નથી...

આંખોમાં છે ઊંઘ ઘણીયે, પણ સુવા માટે સમય નથી...
દિલ છે ગમોથી ભરેલુ, 
પણ રોવાનો સમય નથી...

પૈસાની દોડમાં એવા દોડયા કે, થાકવાનો સમય નથી...
પારકા અહેસાસની શું  કદર કરીએ, 
જ્યાં પોતાના સપનાની જ કદર નથી...

તુ જ કહે મને અરે, શું થશે આ જીંદગીનું...
દરેક પળે મરવા વાળાને
જીવવા માટે પણ સમય નથી... 

ઝઘડો અંત તો નથી!

   બે વાસણ હોય ત્યાં આવાજ તો થાય જ. એવી જ રિતે બે વ્યક્તિના સ્વભાવ અને જીવશૈલી જુદી હોવાથી તેમની વચ્ચે મતભેદો પણ થાય, પરંતુ તેનો એવો અર્થ તો બિલકુલ જ નથી કે તેના કારણે સંબંધો તોડી નાખવા જોઈએ. કોઈપણ સંબંધમાં ઝગડો તે સંબંધનો અંત ક્યારેય નથી હોતો. જો તમારી વચ્ચે વધુ ઝઘડા થતા હોય તો તેના કારણો શોધવાનો પ્રયાસ કરો અને ત્યારપછી તેના નિવારણ માટેના ઉપાય શોધવાથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.