Tuesday, June 11, 2019

જગતનો એક જ સાર સીધાસાદા છો? તો તમે ગયા બોસ!

   સવારે ઊઠીએ અને પાણીની તકલીફથી હેરાન થતા લોકો, વાહન લઇને જઇએ તો કારવાળો મોબાઈલ પર વાતો કરતો કરતો ચલાવી પોતે સાઈડ ન આપી તમને ગાળો આપી જતો રહેશે તમે કંઈ જ નહીં બોલી શકો.

   ઓફિસમાં બોસ ગાળો આપે, કલીગ સાથે માથાકૂટ થાય, અગેઇન તમે ઢીલા પોચા હોવાથી ગાળો ખાશો. સાંજે શાકભાજીથી લઈ ઘરની ચીજવસ્તુઓ લેવા જશો તો તમને વેપારી છેતરશે, અગેઇન તમે કંઈ બોલવા જશો તો પેલો કહશે, 'સાહેબ લેવું હોય તો લો, આ જ મળશે.' અને તમે એ લઇ લેશો અને ફરી મૂંગા મોઢે એ ચલાવી લેશો.

   ચારેબાજુ એટલો ઘોંઘાટ છે કે જાણે આપણને જ આપણો નથી સંભળાતો, કરિયર બનાવવી હોય તો સિસ્ટમમાં જ રહીને કેટલાય ક્લાર્કથી માંડી ઓફિસરોને ઘૂસ આપવી પડે, આટલું કરવા છતાં પ્રોફેસર્સ સરખું ન ભણાવે તો એની ફરિયાદ કોઈ ના સાંભળે.

   ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી બસ કે ટ્રેઇનના પાસ કઢાવવા તમારે એજન્ટની જરુર પડે! તમે પૂરા પૈસા ચૂકવો છો છતાં તમને તેલ - મસાલા બધું જ ચોખ્ખું મળે જ, એની કોઈ ગેરંટી નથી! તમારે આ બધું ચલાવવાનું છે સેઈમ વે જાણે કોઈ દીકરીના મા-બાપ એને શિખામણ આપી રહ્યા છે કે સાસરે જઈ તારે  કોમ્પ્રોમાઇઝ કરવાનાં છે.  અને ચલાવી લેતા શીખવાનું છે. જો એક દિવસ માટે પણ નક્કી કરો કે મારે જૂઠું નથી બોલવું કે પછી મારે કોઈને લાંચ નથી આપવી કે પછી હું હવે કોઈની શરમ રાખ્યા વગર અન્યાય સામે અવાજ ઉઠાવીશ, લોકો તમને કોઈ એલીયન સમજી તમારી મજાક ઉડાવશે.

   કહેવાય છે ને કે આજકાલ લોકોના સ્ટેટ્સ બે રીતે જોવાય છે, એક એ કે એની પાસે કઈ કાર છે અને બીજું એ કે એના પાડોશી કોણ છે!સવારે 8 થી રાત્રે 9 વાગ્યાની આ ભાગદોડ અને જદ્દોજહદ પછી ભાન થાય છે કે બાવડા બનાવવાથી કે સીધેસાદા  બની ચૂપચાપ કામ કરવાથી કોઇ ભલીવાર નથી વળતો થોડા લુચ્ચા બનવું પડે છે. સીધાસાદા અને ભોળા લોકોની સામે માણસો વરુની જેમ જુએ છે.

   સંસારનો નિયમ છે કે જે વસ્તુ દબાવી શકાય એવી દરેક વસ્તુને લોકો રોજ દબાવશે,  જેમકે 'ડોરબેલ' અહીં સવાલ એ છે કે આપણે તો ક્યાંક એ ડોરબેલ નથી ને!

   "ભૂખ રોટી કી હોતો પૈસા કમાઈએ,
પૈસા કમાને કે લિયે ભી પૈસા ચાહિયે."

"કેટલી મજબૂર છે આ જીંદગી, 
 ખુદને મળવા પણ સમય મળતો નથી...


No comments:

Post a Comment