Tuesday, June 11, 2019

જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે... !!

  દરેક વ્યક્તિ કોઈને કોઈ ફરિયાદ સાથે જીવે છે. દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામ ખૂટતા નથી!

   જિંદગી એ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે. જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ભય, નવી અપેક્ષા, નવો ઉત્સાહ અને નવા શ્વાસ લઈને આવે છે. હવે પછીના પાના પર શું લખ્યું છે એ આપણને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પાનું આપણે જીવવાનું છે. 

   એક ડોક્ટર હતા. હંમેશા ખુશ રહે. એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?? ડોક્ટરે જવાબ આપ્યો કે મારી દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને! ડોક્ટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઇએ છીએ. બસ આવું જ જિંદગીનું છે! ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનું..!!

   દરેક વ્યક્તિ દવા ખાય ત્યારે આવું જ કરે છે, જેટલી બને એટલી ઝડપથી કડવી ગોળી ઉતારી દે છે. આ જ વાત જિંદગીમાં લાગુ પાડી શકતા નથી. કડવું હોય એ ચગળ્યા રાખે છે અને મીઠું હોય એ ઉતારી દે છે! પછી અફસોસ જ કરતા રહે છે કે જિંદગી કડવી છે. જમતી વખતે કાંકરી આવી જાય તો લોકો થૂંકી નાખે છે. પણ કાંકરી જેવી દુઃખદ ઘટનાઓને ચાવ્યા રાખે છે. કાંકરી આવ્યા પછી કોઈ વ્યક્તિ જમવાનું છોડી દેતી નથી. કાંકરી થૂંકીને પાછી જમવા માંડે  છે, પણ જિંદગીમાં કંઈક એવું થાય જે દર્દ આપે તો માણસ ખંખેરી નાખતો નથી, વાગોળતો રહે છે. પેટ ભરવાનું હોય છે અને જિંદગી જીવવાની હોય છે..!!

   માણસને સૌથી વધુ ફરિયાદો કોની સામે હોય છે??  મોટાભાગે પોતાની સામે! કંઈ ન મળે તો છેવટે માણસને પોતાના નસીબ સામે ફરિયાદ હોય છે! મારું નસીબ જ ખરાબ છે! કરવું હતું કંઇક અને થઇ ગયું કંઈક! ધંધામાં જેટલા નફાનો હિસાબ કર્યો હતો એ મળ્યો નહીં. નોકરીમાં બીજા લોકો મારાથી આગળ નીકળી ગયા.આપણી આગળ કેટલા છે એની ચિંતામાં આપણે ક્યારેય જોઇ નથી શકતા કે આપણે  કેટલાની આગળ છીએ! ત્રીજા નંબરે આવેલો માણસ પહેલા બે વિજેતાની ઈર્ષ્યા કરતો રહે છે પણ પોતાની પાછળ દોડતા પચાસ એને દેખાતા નથી. એ ભૂલી જાય છે કે હું એ બધાથી આગળ છું અને મારા પ્રયાસો મુજબ મને મળ્યું છે. 

   માણસને પોતાના લોકો પ્રત્યે ફરિયાદો હોય છે. મને કોઈ સમજતું નથી. મારા નસીબમાં જ આવા લોકો લખ્યા છે. સૌથી નજીક હોય એની સામે સૌથી વધુ ફરિયાદો! બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. આપણને આખા જગત સામે ફરિયાદ છે. પણ આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણા સામે કોને અને કેટલી ફરિયાદ છે?? 

   જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે. જિંદગી રોકાતી નથી. ગઈકલ ગમે એટલી સુંદર હોય તોપણ આપણે તેને રોકી શક્યા નથી અને આજ કદાચ ખરાબ હશે તોપણ ચાલી જવાની છે. કાલની કોઈને ખબર નથી. માણસ હંમેશા આવતીકાલ સરસ હશે એવી અપેક્ષામાં જીવે છે. પણ એ સરસ દિવસ આવતી કાલે જ હોય એ નક્કી નથી!

   જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્ન તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જીંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં. જીંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોના ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો થોડી હોય છે. આવી ક્ષણોને જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય. 

   કેવું છે? માણસની જિંદગી સામે સતત ફરિયાદ હોય છે પણ મોત સામે ફરિયાદ નથી! તેનું કારણ શું? કારણ કે મોત સામે આપણી કોઈ ફરિયાદ ચાલવાની નથી! બધાને ખબર છે કે એક દિવસ મોત આવવાનું છે. ગમે એટલા ધમપછાડા કરીએ તોપણ ચાલવાનું નથી. બધાને ખબર છે કે અંતે તો બધું જ છૂટવાનું છે તોપણ માણસથી કેમ કંઈ છૂટતું નથી! આપણે કેટલું ભેગું કરવું છે એ વિચારીએ છીએ પણ શા માટે ભેગું કરવું છે એ વિચારતા નથી! તેનો જવાબ એટલો જ છે કે આપણે જીવવા માટે બધું ભેગું કરીએ છીએ, જો આ વાત હોય તો થોડું એ પણ વિચારો કે આપણે ખરેખર જીવીએ છીએ? કે પછી ફરિયાદો જ કરીએ છીએ? જીવવા માટે જોઈએ એ બધું જ આપણી પાસે હોય છે, પણ આપણે જીવતા નથી. થોડું મળે એટલે આપણે આપણા ઇરાદા ઊંચા કરી દઈએ છીએ. હા, અપેક્ષાઓ ઊંચી હોય તેમાં કંઈ ખોટું નથી પણ સાથોસાથ જે છે એ જીવાય છે ખરું? 

   યાદ રાખો બધાનું પ્લાનિંગ કરો પણ જીવવાનું પ્લાનિંગ ન કરો. કારણ કે જીવવાનું તો દરેક ક્ષણે છે. દરેક ક્ષણને જીવી જવી એ જ જિંદગી છે. ગઈકાલ પીછો છોડતી નથી એ આવતી કાલની ઉપાધી છે. આવા સંજોગોમાં આજ કેવી રીતે સારી હોય? જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. નો રિગ્રેટસ, નો કમ્પ્લેઇન. કોઈ ફરિયાદ નહીં, કોઈ શિકવા નહિ અને કોઈ અફસોસ નહીં. દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી,  કારણકે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે. 

 " જિંદગી પર નજર નાંખી જુઓ તમે જીવો તો છોને? કે પછી માત્ર ફરિયાદો કરો છો???? 
    
                               -: લાસ્ટ લાઈન :-

    "અમુક લોકો પાસે ઘણું બધું હોવા છતાં તેઓ વધુ માગ્યા કરે છે       અને પરિણામે બધું હોવા છતાં તેઓ નિર્ધન અને દુઃખી રહે છે..."

2 comments: