Friday, June 14, 2019

ન શીખવા જેવું બધું આવડી જતું હોય છે!

ખરેખર! એ જ પંખીથી નથી છૂટતો કદી માળો, 
કે જેની પાંખમાં આકાશનો અહેસાસ હોય છે.

   સારું શીખવું પડતું હોય છે અને ખરાબ આપોઆપ આવડી જતું હોય છે. સુવાક્યો યાદ રાખવા પડે છે અને ગાળ કોઈ શીખવાડતુ નથી, છતાં આવડી જતી હોય છે! માણસે સારા રહેવું હોય તો ખરાબથી દૂર રહેવું પડે છે. જિંદગીમાં શીખવાનું એ જ હોય છે કે આપણને ખબર હોય કે શું શીખવા જેવું નથી. માણસ બેઝિકલી સારો જ હોય છે, જ્યાં સુધી બુરાઈને એ પોતાનામાં પ્રવેશવા ન દે ત્યાં સુધી તેની સારાઈ ટકી રહે છે. સારા ન બનો તો કંઈ નહીં, ખરાબથી દૂર રહો તો તમે સારા જ છો. આપણી મુશ્કેલી એ છે કે આપણે ન કરવા જેવું કરીએ છીએ એટલે કરવા જેવું રહી જાય છે!

   માણસનો સ્વભાવ છે કે જેની ના પાડવામાં આવે એવું એ પહેલા કરે છે. માણસને પરચો ન મળે ત્યાં સુધી એ સમજતો નથી. એક બાળક હતું. ઘરમાં સળગતા દીવા પાસે જાય ત્યારે તેની માતા તેને કહેતી કે દીવા નજીક ન જા, દાઝી જઈશ. બાળકને એટલી સમજ ન હતી કે દાઝી જવું એટલે શું? તેને સતત કૂતુહલ થતું કે દીવાને અડીએ તો શું થાય? એક દિવસ એ દીવાને અડ્યો અને દાઝયો, પછી કાયમ આગથી દૂર રહેતો. આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે ઠોકર ખાઈએ છીએ. ઠોકર ખાઈને પણ સમજી જતી વ્યક્તિ શાણી છે, પણ આપણે તો એકની એક ભૂલ વારંવાર કરીએ છીએ!

   કોને ખબર નથી કે ગુસ્સો કરવો ખરાબ છે? છતાં દરેક વ્યક્તિ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય છે. અશાંત રહેવા માટે પ્રયત્ન કરવા પડતા નથી. અને શાંતિ માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે શિબિરોમાં જવું પડે છે. જિંદગી તો સરળ જ હોય છે, આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ દાખલાને અઘરો કરી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે મને આનો ઉકેલ મળતો નથી!

   આપણે ભૂલો કરીએ છીએ અને પછી નામ આપીએ છીએ સંજોગોનું અને નસીબનું. વાંક આપણો હોય તો પણ આપણે દોષનો ટોપલો કોઈના માથે ઢોળવાનું ચાલુ રાખીએ છીએ. માણસને બધું જ બહુ સરળતાથી મેળવી લેવું છે,  ટૂંકા રસ્તે મંઝિલે પહોંચવું છે, આપણે શોર્ટકટ્સ શોધતા રહીએ છીએ. લાંચ લેનાર માણસને ક્યારેય એવો વિચાર નથી આવતો કે લાંચ લેતા પકડાઈશ તો શું થશે? એ સતત એવુ જ વિચારતો હોય છે કે શું ધ્યાન રાખું તો લાંચ લેતા ન પકડાંઉ? માણસે એટલું બધું દૂર જવું ન જોઈએ કે જ્યાંથી એ ઇચ્છે તો પણ પાછો ન ફરી શકે. આપણે કેટલું બધું ન  શીખવાનું શીખી લેતા હોઈએ છીએ? એક બાળક શાળામાં શિક્ષકના મોઢે ખોટું બોલ્યો. શિક્ષકે થોડાક સવાલ પૂછ્યા તો પકડાઈ ગયો. આખરે શિક્ષકે તેને સવાલ કર્યો કે, "તને ખોટું બોલતા કોણે શીખવ્યું?" બાળકે જવાબ આપ્યો કે "કોઈએ નહીં, એ તો હું મારી રીતે વિચારીને જ બોલ્યો હતો." શિક્ષકે પછી કહ્યું કે, "તને જેટલું શીખવાડાય એટલું જ શીખ અને તને અમારી પાસે સારું શીખવા જ મોકલ્યો છે. અમે તો તને સારું શીખવ્યું, તારે શું શીખવું એ તારે નક્કી કરવાનું છે."

   જિંદગીમાં આપણે કેટલું બધું નકામું શીખતા હોઈએ છીએ? એક પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓને કહ્યું કે "લર્ન કરવું" એ સારી વાત છે,  પણ તેનાથી મોટી વાત "અનલર્ન" કરતા શીખવાની છે! હા, આપણે  દરેક વસ્તુ ભૂંસી કે ભૂલી શકતા નથી, પણ આપણે ઇચ્છીએ તો ખંખેરી જરૂર શકાય. આપણે કહીએ છીએ કે સંઘરેલો સાપ પણ કામ લાગે પણ સાપ ક્યારે સંઘરાય નહીં, કારણ કે સંઘરેલો સાપ ક્યારેક ડંશ પણ મારી દે! જે કરવા જેવું હોય એ જ કરવું જોઈએ.

   એક યુવાન ગુરુ પાસે બાણવિદ્યા શીખવા ગયો. ગુરુ તેની તીર અને કમાન ગોઠવીને પણછ ખેંચવાનું કહે. એ યુવાન ખોટી આંગળીથી તીર ખેંચે અને દરેક વખતે તીર નિશાન ચૂકી જાય. છેવટે ગુરુએ કહ્યું કે આ તું જે તારી રીતે કરે છે એ ખોટું છે, તું એ ભૂલ સુધારી લે. અમે મોટાભાગે સફળ કેમ જવું એ શીખવાડતા જ નથી પણ નિષ્ફળ કેમ ન જવું એ જ શીખવાડતા હોઈએ છીએ. તમે તમારી ખામીઓને સુધારી લો તો તમે સફળ થવાના જ છો.

  સારું તો આપણને સતત શીખવવામાં આવે છે. કેમ સુખી થવું તે વાત વારંવાર આપણી સામે આવે છે, પણ આપણે તેને ગણકારતા નથી, ખોટું ન બોલવું, ગુસ્સો ન કરવો, સ્વાર્થ ન રાખવો, વેરઝેર આફત જ નોતરે છે. કોઈનું બૂરું ન ઇચ્છવું, કોઈને નફરત ન કરવી, કોઈ ને દગો ન કરવો, કોઈનો વિશ્વાસ ન તોડવો, આમાંથી કઈ વાત આપણને ખબર નથી? બધી જ વાત આપણને નાનપણથી શીખવવામાં આવે છે, પણ આપણે કેટલું શીખીએ છીએ? આપણે એવું જ કરીએ છીએ જે આપણને કોઈએ શીખવ્યું હોતું નથી. આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો? આપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે! તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહી શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે.

  આપણે આખી જિંદગી આપણી જ વ્યક્તિની દુખતી રગ શોધતા રહીએ છીએ અને પછી એ દબાવતા રહીએ છીએ. આપણને કેમ સુખની રગ શોધવાની ઈચ્છા થતી નથી? કોઈને દુઃખી જોવા ઈચ્છતી વ્યક્તિ ક્યારેય સુખી થતી નથી! દરેક વ્યક્તિને ખબર હોય છે કે એનું સુખ શેમાં છે, પણ એને જે ખબર હોય છે એ કરી શકતો નથી.

   તમે શું શીખો છો તેના ઉપરથી જ નક્કી થતું હોય છે કે તમે કેવા છો. તમે કેવા છો એ સમજવું હોય તો તમે એ જાણી લો કે લોકો તમારી ગેરહાજરીમાં તમારા વિશે શું બોલે છે? જોકે આપણે લોકો આપણી હાજરીમાં જે બોલે છે એને જ સાચું માની લઈએ છીએ. આપણે એવું જ કરીએ છીએ જેને આપણે સાચું માનતા હોઈએ છીએ. આપણે જે સાચું માનીએ છીએ ખરેખર સાચું છે કે નહીં તે સમજવાની પણ આપણે દરકાર કરતા નથી. આપણે જ નક્કી કરી લઈએ છીએ કે આમ જ હોય, આ જ રીત સાચી છે. ખોટી વાત આપણને બહુ ઝડપથી સાચી લાગતી હોય છે. આપણે કહીએ અને સાંભળીએ છીએ કે દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે... દુનિયા ઝૂકી એટલે આપણી જાતની સાચા માની લેતા હોઈએ છીએ. આપણી ઝુકાવવાની રીત સાચી છે કે ખોટી એ વિચારવાની આપણે તસ્દી લેતા નથી. ઘણી સફળતા પણ ભ્રામક હોય છે. સાચા રસ્તે અને ખરી મહેનતે મળતી સફળતા જ સુખ અને શાંતિ આપે છે. તમારો માર્ગ તમે નક્કી કરો, પણ એ માર્ગ સાચો છે તેની પહેલાં ખાતરી કરો. શું કરવું છે એ નક્કી કરતા પહેલા શું નથી કરવું એ નક્કી કરો, એ પછી તમે જે કરશો એ સાચું અને સારું જ હશે.

-: લાસ્ટ લાઈન :-

 આદતોને જો રોકવામાં ન આવે તો તે બહુ ઝડપથી ટેવ બની જાય છે.

Tuesday, June 11, 2019

જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે... !!

  દરેક વ્યક્તિ કોઈને કોઈ ફરિયાદ સાથે જીવે છે. દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામ ખૂટતા નથી!

   જિંદગી એ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે. જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ભય, નવી અપેક્ષા, નવો ઉત્સાહ અને નવા શ્વાસ લઈને આવે છે. હવે પછીના પાના પર શું લખ્યું છે એ આપણને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પાનું આપણે જીવવાનું છે. 

   એક ડોક્ટર હતા. હંમેશા ખુશ રહે. એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?? ડોક્ટરે જવાબ આપ્યો કે મારી દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને! ડોક્ટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઇએ છીએ. બસ આવું જ જિંદગીનું છે! ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનું..!!

   દરેક વ્યક્તિ દવા ખાય ત્યારે આવું જ કરે છે, જેટલી બને એટલી ઝડપથી કડવી ગોળી ઉતારી દે છે. આ જ વાત જિંદગીમાં લાગુ પાડી શકતા નથી. કડવું હોય એ ચગળ્યા રાખે છે અને મીઠું હોય એ ઉતારી દે છે! પછી અફસોસ જ કરતા રહે છે કે જિંદગી કડવી છે. જમતી વખતે કાંકરી આવી જાય તો લોકો થૂંકી નાખે છે. પણ કાંકરી જેવી દુઃખદ ઘટનાઓને ચાવ્યા રાખે છે. કાંકરી આવ્યા પછી કોઈ વ્યક્તિ જમવાનું છોડી દેતી નથી. કાંકરી થૂંકીને પાછી જમવા માંડે  છે, પણ જિંદગીમાં કંઈક એવું થાય જે દર્દ આપે તો માણસ ખંખેરી નાખતો નથી, વાગોળતો રહે છે. પેટ ભરવાનું હોય છે અને જિંદગી જીવવાની હોય છે..!!

   માણસને સૌથી વધુ ફરિયાદો કોની સામે હોય છે??  મોટાભાગે પોતાની સામે! કંઈ ન મળે તો છેવટે માણસને પોતાના નસીબ સામે ફરિયાદ હોય છે! મારું નસીબ જ ખરાબ છે! કરવું હતું કંઇક અને થઇ ગયું કંઈક! ધંધામાં જેટલા નફાનો હિસાબ કર્યો હતો એ મળ્યો નહીં. નોકરીમાં બીજા લોકો મારાથી આગળ નીકળી ગયા.આપણી આગળ કેટલા છે એની ચિંતામાં આપણે ક્યારેય જોઇ નથી શકતા કે આપણે  કેટલાની આગળ છીએ! ત્રીજા નંબરે આવેલો માણસ પહેલા બે વિજેતાની ઈર્ષ્યા કરતો રહે છે પણ પોતાની પાછળ દોડતા પચાસ એને દેખાતા નથી. એ ભૂલી જાય છે કે હું એ બધાથી આગળ છું અને મારા પ્રયાસો મુજબ મને મળ્યું છે. 

   માણસને પોતાના લોકો પ્રત્યે ફરિયાદો હોય છે. મને કોઈ સમજતું નથી. મારા નસીબમાં જ આવા લોકો લખ્યા છે. સૌથી નજીક હોય એની સામે સૌથી વધુ ફરિયાદો! બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. આપણને આખા જગત સામે ફરિયાદ છે. પણ આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણા સામે કોને અને કેટલી ફરિયાદ છે?? 

   જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે. જિંદગી રોકાતી નથી. ગઈકલ ગમે એટલી સુંદર હોય તોપણ આપણે તેને રોકી શક્યા નથી અને આજ કદાચ ખરાબ હશે તોપણ ચાલી જવાની છે. કાલની કોઈને ખબર નથી. માણસ હંમેશા આવતીકાલ સરસ હશે એવી અપેક્ષામાં જીવે છે. પણ એ સરસ દિવસ આવતી કાલે જ હોય એ નક્કી નથી!

   જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્ન તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જીંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં. જીંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોના ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો થોડી હોય છે. આવી ક્ષણોને જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય. 

   કેવું છે? માણસની જિંદગી સામે સતત ફરિયાદ હોય છે પણ મોત સામે ફરિયાદ નથી! તેનું કારણ શું? કારણ કે મોત સામે આપણી કોઈ ફરિયાદ ચાલવાની નથી! બધાને ખબર છે કે એક દિવસ મોત આવવાનું છે. ગમે એટલા ધમપછાડા કરીએ તોપણ ચાલવાનું નથી. બધાને ખબર છે કે અંતે તો બધું જ છૂટવાનું છે તોપણ માણસથી કેમ કંઈ છૂટતું નથી! આપણે કેટલું ભેગું કરવું છે એ વિચારીએ છીએ પણ શા માટે ભેગું કરવું છે એ વિચારતા નથી! તેનો જવાબ એટલો જ છે કે આપણે જીવવા માટે બધું ભેગું કરીએ છીએ, જો આ વાત હોય તો થોડું એ પણ વિચારો કે આપણે ખરેખર જીવીએ છીએ? કે પછી ફરિયાદો જ કરીએ છીએ? જીવવા માટે જોઈએ એ બધું જ આપણી પાસે હોય છે, પણ આપણે જીવતા નથી. થોડું મળે એટલે આપણે આપણા ઇરાદા ઊંચા કરી દઈએ છીએ. હા, અપેક્ષાઓ ઊંચી હોય તેમાં કંઈ ખોટું નથી પણ સાથોસાથ જે છે એ જીવાય છે ખરું? 

   યાદ રાખો બધાનું પ્લાનિંગ કરો પણ જીવવાનું પ્લાનિંગ ન કરો. કારણ કે જીવવાનું તો દરેક ક્ષણે છે. દરેક ક્ષણને જીવી જવી એ જ જિંદગી છે. ગઈકાલ પીછો છોડતી નથી એ આવતી કાલની ઉપાધી છે. આવા સંજોગોમાં આજ કેવી રીતે સારી હોય? જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. નો રિગ્રેટસ, નો કમ્પ્લેઇન. કોઈ ફરિયાદ નહીં, કોઈ શિકવા નહિ અને કોઈ અફસોસ નહીં. દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી,  કારણકે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે. 

 " જિંદગી પર નજર નાંખી જુઓ તમે જીવો તો છોને? કે પછી માત્ર ફરિયાદો કરો છો???? 
    
                               -: લાસ્ટ લાઈન :-

    "અમુક લોકો પાસે ઘણું બધું હોવા છતાં તેઓ વધુ માગ્યા કરે છે       અને પરિણામે બધું હોવા છતાં તેઓ નિર્ધન અને દુઃખી રહે છે..."

જગતનો એક જ સાર સીધાસાદા છો? તો તમે ગયા બોસ!

   સવારે ઊઠીએ અને પાણીની તકલીફથી હેરાન થતા લોકો, વાહન લઇને જઇએ તો કારવાળો મોબાઈલ પર વાતો કરતો કરતો ચલાવી પોતે સાઈડ ન આપી તમને ગાળો આપી જતો રહેશે તમે કંઈ જ નહીં બોલી શકો.

   ઓફિસમાં બોસ ગાળો આપે, કલીગ સાથે માથાકૂટ થાય, અગેઇન તમે ઢીલા પોચા હોવાથી ગાળો ખાશો. સાંજે શાકભાજીથી લઈ ઘરની ચીજવસ્તુઓ લેવા જશો તો તમને વેપારી છેતરશે, અગેઇન તમે કંઈ બોલવા જશો તો પેલો કહશે, 'સાહેબ લેવું હોય તો લો, આ જ મળશે.' અને તમે એ લઇ લેશો અને ફરી મૂંગા મોઢે એ ચલાવી લેશો.

   ચારેબાજુ એટલો ઘોંઘાટ છે કે જાણે આપણને જ આપણો નથી સંભળાતો, કરિયર બનાવવી હોય તો સિસ્ટમમાં જ રહીને કેટલાય ક્લાર્કથી માંડી ઓફિસરોને ઘૂસ આપવી પડે, આટલું કરવા છતાં પ્રોફેસર્સ સરખું ન ભણાવે તો એની ફરિયાદ કોઈ ના સાંભળે.

   ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી બસ કે ટ્રેઇનના પાસ કઢાવવા તમારે એજન્ટની જરુર પડે! તમે પૂરા પૈસા ચૂકવો છો છતાં તમને તેલ - મસાલા બધું જ ચોખ્ખું મળે જ, એની કોઈ ગેરંટી નથી! તમારે આ બધું ચલાવવાનું છે સેઈમ વે જાણે કોઈ દીકરીના મા-બાપ એને શિખામણ આપી રહ્યા છે કે સાસરે જઈ તારે  કોમ્પ્રોમાઇઝ કરવાનાં છે.  અને ચલાવી લેતા શીખવાનું છે. જો એક દિવસ માટે પણ નક્કી કરો કે મારે જૂઠું નથી બોલવું કે પછી મારે કોઈને લાંચ નથી આપવી કે પછી હું હવે કોઈની શરમ રાખ્યા વગર અન્યાય સામે અવાજ ઉઠાવીશ, લોકો તમને કોઈ એલીયન સમજી તમારી મજાક ઉડાવશે.

   કહેવાય છે ને કે આજકાલ લોકોના સ્ટેટ્સ બે રીતે જોવાય છે, એક એ કે એની પાસે કઈ કાર છે અને બીજું એ કે એના પાડોશી કોણ છે!સવારે 8 થી રાત્રે 9 વાગ્યાની આ ભાગદોડ અને જદ્દોજહદ પછી ભાન થાય છે કે બાવડા બનાવવાથી કે સીધેસાદા  બની ચૂપચાપ કામ કરવાથી કોઇ ભલીવાર નથી વળતો થોડા લુચ્ચા બનવું પડે છે. સીધાસાદા અને ભોળા લોકોની સામે માણસો વરુની જેમ જુએ છે.

   સંસારનો નિયમ છે કે જે વસ્તુ દબાવી શકાય એવી દરેક વસ્તુને લોકો રોજ દબાવશે,  જેમકે 'ડોરબેલ' અહીં સવાલ એ છે કે આપણે તો ક્યાંક એ ડોરબેલ નથી ને!

   "ભૂખ રોટી કી હોતો પૈસા કમાઈએ,
પૈસા કમાને કે લિયે ભી પૈસા ચાહિયે."

"કેટલી મજબૂર છે આ જીંદગી, 
 ખુદને મળવા પણ સમય મળતો નથી...


ક્ષણનો સાક્ષાત્કાર

   જીંદગીમાં આવેલી સુવર્ણ તક વેડફી નાખ્યાનો વસવસો ઘણાંને હોય છે. વ્યક્તિ વિચારે છે કે જો એણે અમુક ક્ષેત્રમાં જંપલાવ્યું હોત તો આજે એ ખૂબ જ ધનાઢ્ય હોત, પરંતુ એણે એ ક્ષેત્રના બદલે બીજા ક્ષેત્રમાં જંપલાવ્યું અને પરિણામે આખી જીંદગી જાત ઘસી નાખવા છતાં એ આગળ વધી શક્યો નહીં. માણસ જેવું ફરિયાદ કરનારું બીજું કોઈ પ્રાણી નથી. પોતાની ભીતરની નબળાઈ ઢાંકવા માટે એ સતત ફરિયાદના કિલ્લામાં શરણ લેતો હોય છે. તક ગુમાવ્યાની ફરિયાદ કરી કરીને એ જીંદગીમાં આવતી બીજી તકને પણ ગુમાવે છે. તક ન આવે તો તકને ઉભી કરવી પડે. ઘણી મહાન વ્યક્તિઓએ નિષ્ફળતાને આવનારી નવી સફળતાની નિશાની માની છે. આથી નિષ્ફળતા મળતા એ નિરાશ કે હતાશ થઈને પલાંઠી વાળીને બેસી રહેતા નથી, પરંતુ લાખો નિરાશામાં છુપાયેલી એક આશાને અવિશ્રાંતપણે ખોળતા હોય છે, પરિણામે જીવનમાં આવતો કસોટીનો પ્રત્યેક સમય આવનારી નવી સિદ્ધિના એંધાણરૂપ હોય છે અને તેથી સમર્થ માણસો ક્યારેય ગુમાવેલી તકના રોદડા રડતા નથી, બલ્કે નવી તક સર્જવા પુરુષાર્થ ખેડે છે.
એક એવું ઘર મળે આ વિશ્વમાં, 
 જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, 
 એક એવી હોય મહેફિલ જ્યાં મને, 
કોઈ બોલાવે નહિ ને જઈ શકું. 

માનસિક શાંતિના સચોટ ઉપાયો

પારકી પંચાત કરશો નહીં.
 તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો.
 કડવા ઘૂંટડા ગળી જજો. કદી જીવ બાળશો નહીં.
 ભૂતકાળ પર આસુ સારસો નહીં.
 તમારા વખાણ બીજા લોકો કરે એવું ઝંખશો નહીં.
 કદી કોઈની ઈર્ષ્યા કરશો નહીં.
 જે અનિવાર્ય હોય તે સહન કરી લો.
 તમારી ફરજ ક્યારેય ચૂકશો નહીં. 
 સતત સત્કાર્યોમાં જ પરોવાયેલા રહો.
 મનને  ક્યારેય નવરું રાખશો નહીં.
 અવરોધનો સામનો કરજો. હંમેશા ધીરજ રાખજો.
 સારા નરસાનો વિવેક કરતા શીખજો.
 દેખાદેખીથી દૂર રહો. લાલચમાં કદી ના લપટાવ. 
 જરૂરિયાતો ઘટાડી, કરવા યોગ્ય કામ જ કરો.
 વિચાર, વાણી, વર્તનમાં સંયમ રાખો.
 માંગ્યા વગર સલાહ આપશો નહીં.
 દલીલબાજીથી દૂર રહેજો. તમે તમારી જાતને સુધારો.
 તમારા કામની બીજા પાસે આશા ન રાખો.
 દુઃખોને ઈશ્વરની પ્રસાદી ગણીને સ્વીકારો.
 ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય કર્યે જાવ.

 जो मेरे भाग्य में नहीं है, वो दुनिया की कोई भी शक्ति मुझे नहीं दे सकती
 और मेरे भाग्य में है, उसे दुनिया की कोई भी शक्ति छीन नहीं सकती

સમય નથી...

દરેક ખુશી અહીં લોકો પાસે પણ હસવા માટે સમય નથી...
દિવસ - રાત દોડતી દુનિયામાં, 
જીંદગી માટે સમય નથી...

માઁ ના હાલરડાંનો અહેસાસ છે, પણ માઁ  માટે સમય નથી...
બધાના સંબંધો તો મરી ગયા પણ, 
તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબાઇલમાં છે, પણ મિત્રતા માટે સમય નથી...
પારકાઓની શું વાત કરવી, 
પોતાના માટે પણ સમય નથી...

આંખોમાં છે ઊંઘ ઘણીયે, પણ સુવા માટે સમય નથી...
દિલ છે ગમોથી ભરેલુ, 
પણ રોવાનો સમય નથી...

પૈસાની દોડમાં એવા દોડયા કે, થાકવાનો સમય નથી...
પારકા અહેસાસની શું  કદર કરીએ, 
જ્યાં પોતાના સપનાની જ કદર નથી...

તુ જ કહે મને અરે, શું થશે આ જીંદગીનું...
દરેક પળે મરવા વાળાને
જીવવા માટે પણ સમય નથી... 

ઝઘડો અંત તો નથી!

   બે વાસણ હોય ત્યાં આવાજ તો થાય જ. એવી જ રિતે બે વ્યક્તિના સ્વભાવ અને જીવશૈલી જુદી હોવાથી તેમની વચ્ચે મતભેદો પણ થાય, પરંતુ તેનો એવો અર્થ તો બિલકુલ જ નથી કે તેના કારણે સંબંધો તોડી નાખવા જોઈએ. કોઈપણ સંબંધમાં ઝગડો તે સંબંધનો અંત ક્યારેય નથી હોતો. જો તમારી વચ્ચે વધુ ઝઘડા થતા હોય તો તેના કારણો શોધવાનો પ્રયાસ કરો અને ત્યારપછી તેના નિવારણ માટેના ઉપાય શોધવાથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. 

નિરાશ શા માટે?

   એક દિવસ હું કામ પરથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક જગ્યાએ બેટબૉલની રમત રમાતી હતી. તે જોવા હું ઊભો રહ્યો. પહેલી હરોળ છોડી બીજી હરોળની એક ખુરશી પર બેસી મેં રમત જોવા માંડી. બાજુવાળાને પૂછ્યું, "સ્કોર શું છે?"

   એ છોકરો બોલ્યો, "અમે 14 પોઇન્ટ પાછળ છીએ." તેના મોં પર સ્મિત હતું.

   મેં કહ્યું, "એમ? તો પછી મારે કહેવું જોઈએ કે તમે નિરાશ નથી લાગતા."

   "નિરાશ?" તેના મોં પર આશ્ચર્ય આવ્યું. "નિરાશ શા માટે? અમે તો હજી બેટિંગ કરી જ નથી. "

Monday, June 10, 2019

WNNER VERSUS LOSER



                          Winner have dreams
                             Losers have schems 

Winner see the gain
Losers see the problems


Winners are a part of the team
Losers are apart from the team

The winner always has a programme
The loser always has an excuse

The winner says, "Let me do it for you". 
The loser says, "That is not my job". 

The winner is always part of the answer
The loser is always  part of the problem

The winner sees an answer for every problem
The loser sees a problem for every answer

The winner says, "It may be difficult, but it is possible."
Ths loser says, "It may be possible,  but it is difficult."

When a winner makes a mistake, he says, "I was wrong."
When a loser make a mistakes,  he says, "It was not my fault."

"સ્ત્રી સહનશીલ શા માટે!"

   પરમાત્માની દ્રષ્ટિએ નર અને નારી એક સમાન છે. તેમાં ન કોઈ વરિષ્ઠ ન કોઈ કનિષ્ક. સ્ત્રીના જીવનમાં યશ-અપયશ એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક પ્રશંસા તો ક્યારેક ધૃણા. નારીની નમ્રતા અને લજ્જાપણું એ તેના સૌભાગ્યની માફક શણગાર છે. આદિકાળથી ઋષિમુનિઓ તથા દેવતાઓ પણ નારીને નારાયણી કહી છે. પણ કાચની બંધ પેટીમાં રક્ષિત માછલીની જેમ રહેવાનો શો અર્થ? 

   એક તરફ આપણે એકવીસમી સદી તરફ જઈ રહ્યાનું ગૌરવભેર સ્વીકારીએ છીએ, પરંતુ બીજી તરફ અઢારમી સદીના ખ્યાલોને છોડવા નથી. કેવી કરૂણતા. આધુનિકતાની અપનાવી છે, પણ રૂઢિચુસ્તતાને છોડવી નથી. પરંપરાને તિલાંજલિ આપવી નથી. સ્ત્રી-પુરુષ જીવનરથના બે પૈડા છે,  તો એક પૈંડુ આગળને બીજું પાછળ હોય તો આગળ ગતિ કઈ રીતે થાય? 

   આજકાલ સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ચારેબાજુ ફૂંકાય છે અને ઘણા હિમાયતીઓ પણ, સ્ત્રી સંગઠનો, સ્ત્રી મુક્તિ મંડળો, સામાજિક સંધારણા જેવી અનેક સંસ્થા બિલાડીના ટોપની માફક ઉગી નીકળી છે. આટલા સંગઠનો હોવા છતાં સ્ત્રી પર અત્યાચારોનો આંક ઘટવાને બદલે વધી રહ્યો છે. હા, એવું નથી કે સ્ત્રી સહન કરે છે, તેથી નાસમજ છે. એક સતી સ્ત્રી યમરાજને પણ પોતાની પવિત્ર પતિવ્રતાના બળથી હરાવી શકે છે. ગાંધીજીની સફળતા પાછળ પણ કસ્તુરબાનો હાથ હતો. હિલેરી ક્લિન્ટન જેવી અનેક સ્ત્રીઓનો હાથ સફળ પુરુષની પાછળ હોય જ છે. પણ હજુપણ સ્ત્રીઓ સાથે ગુલામ કે મૂંગા પ્રાણીઓ જેવો જ વ્યવહાર થાય છે અને સ્ત્રી સમાજ તરફથી તેને મળેલ "સહનશીલતા અને ત્યાગની મૂર્તિ" ના બિરુદને સાર્થક કરવા ચૂપચાપ બધું સહન કર્યે જ જાય છે અને ત્યારે જ મનમાં મોટી ગડમથલ થાય છે. આ ગડમથલમાંથી જ જન્મે છે પ્રશ્ન? 

  "નિર્જીવ વસ્તુ અને જીવંત સ્ત્રી વચ્ચે કોઈ અંતર ખરું?"

વિદ્યાર્થીનો ઉત્તર

શાળાનો ઘંટ વાગ્યો.
મેદાન આખું ઠલવાયું વર્ગખંડમાં,
પાટલીઓ પર બેઠી છે એશી આંખો, 
આંખોમાં એમનાં સપનાઓ તરે છે, 
ને તરે છે એમાં નિખાલસતાની નાવો. 
જિજ્ઞાસાની જ્યોત પ્રગટેલી છે આંખોમાં.
શિક્ષકે સહાસ્ય પ્રશ્ન કર્યો વર્ગમાં -
આજે કોઈ ચીજ રહી છે અશક્ય?
વિજ્ઞાને કશું જ અસંભવ નથી રાખ્યું. 
બધું જ આજે તો શક્ય બન્યું છે.
છેલ્લી પાટલી પરના ગભરુ વિદ્યાર્થીનો ઉત્તર -
સાહેબ કહું! એક ચીજ છે અશક્ય આજે
શિક્ષકનો પ્રતિપ્રશ્ન - કઈ છે તે ચીજ?
વિદ્યાર્થીએ બીતા બીતા જવાબ આપ્યો - 
સાહેબ, પ્રામાણિકતા. 

બધાને શું જોઈએ?

ડબ્બા ભરેલા જોઈએ; કબાટ ભરેલો જોઈએ;
તિજોરી ભરેલી જોઈએ; પેટ ભરેલું જોઈએ;
ઘર ભરેલું જોઈએ; ટાયરમાં હવા ભરેલી જોઈએ;
પેટ્રોલની ટાંકી ભરેલી જોઈએ; બધું જ ભરેલું જોઈએ;
તો..... તો..... આ હૈયું ખાલી કેમ.............?
   એ ભાવ ભરેલું ન જોઈએ.............?

ગાગરમાં..... સાગર

લોકો કથામાં બેસે છે ખરા..... પણ કથા એમના મગજમાં બેસતી નથી. ઘરમાંથી પ્રેમ જાય છે ત્યારે કંકાશ અંદર ઘૂસી જાય છે. 
જેના હૃદયમાં પ્રેમભાવના નથી તે જ ખરો "હૃદયરોગી" છે. ગુસ્સો ને ક્રોધ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
ખોટા શોખ ઘણીવાર શૉકમાં ફેરવાય જાય છે.
સ્મરણશક્તિ તેજ બનાવી છે તો નકામી વસ્તુ ભૂલવા માંડો. 
તાળું અને ચાવી જીવનના બંધન અને મુક્તિની યાદ અપાવે છે.
કૃષ્ણની બંસી બનવા માટે વાંસને વીંધાવવું પડે છે એ ન ભૂલતા.
આંખ ખુલે તેને "ઉઠ્યા" કહેવાય. દ્રષ્ટિ ખુલે તેને "જાગ્યા" કહેવાય. 
દરેક અંધકારય રાત્રિ (દુઃખ) પછી પ્રકાશમય સૂર્યોદય (સુખ) આવે જ છે. 
પૈસો ઘર છોડી જાય ત્યારે..... "આવજો" કે "ફરી મળીશું" કહેતો નથી. 
ત્રણ ઇંચની નાની જીભ છ ફૂટના માણસને કાપી નાખવા સમર્થ છે.

જીવન ઘડતરમાં પાયાનુ જ્ઞાન

   બાળકના જીવન ઘડતરમાં શિક્ષણનું મહત્વ રહેલ છે. શિક્ષણમાં જ્ઞાન અને વિદ્યા રહેલી છે. જીવનનું ઘડતર બાળક પોતાના ઘરમાંથી,  મહોલ્લામાંથી, સમાજમાંથી અને શાળામાંથી મેળવે છે. પરંતુ બધું જ મેળવ્યા પછી પણ પોતાનામાં પાંચ 'વ ' એક 'ચ' અને એક 'શ' ના હોય તો જીવન ઘડતર શૂન્ય છે અને નકામું છે. પાંચ 'વ' એટલે વાણી,  વિવેક, વર્તન, વિનય અને વિદ્યા, આ પાંચ  હોય તો 'ચ' હોય, 'ચ' એટલે ચારિત્ર્ય. જો આ બધું જ હોય પણ 'શ' ન હોય તો?  પછી શું?  'શ' એટલે શિસ્ત. કહેવત છે કે,  'વિદ્યા વિનયથી શોભે છે.' વિવેક સાથે હશે તો વિનય હશે. વિનય હશે તો વર્તન સારું હશે. આ બધું હશે તો વિદ્યા હશે. માણસમાં આ પાંચ વસ્તુનું જ્ઞાન આવી જાય તો  ચારિત્ય શ્રેષ્ઠ હશે. આ બધું હોવા છતાં જીવનમાં શિસ્તની પણ જરૂર છે. કારણકે શિસ્ત વગરનું જીવન નર્કસમાન બની જાય છે. બાળકે શિક્ષણની સાથે શિસ્ત શીખવી જરૂરી છે અને તે મા-બાપ, વડીલો, સમાજ અને શાળામાં ગુરુજનો શીખવે છે. વાણી મીઠી, મધુર અને વિવેકપૂર્ણ રાખવી જોઈએ. વર્તન પણ સારું હોવું જોઈએ. વર્તન  સારું હશે તો તેના મિત્રો અનેક હશે. વિનયપૂર્વક વર્તન કરશે તો તેનું માન સમાજમાં હશે. તેનામાં શિસ્ત હશે તો તેને બધા માન આપશે ને બોલાવશે.

   ઘરમાં કોઈ વડીલ કે માતા ન હોય અને મહેમાન આવે તો તેમને આવકાર આપવો જોઈએ. તેમની સાથે વાણી, વિવેક અને વિનયથી વર્તવું જોઈએ તો જ મહેમાન તમારી કદર કરશે. બાળકના જીવન ઘડતરમાં પાંચ 'વ' એક 'ચ' અને 'શ' હોવું ખૂબ જ જરૂરી છે, જે જીવન ઘડતરની પાયાની ઈંટો છે.


પ્રસન્ન રહો અને સફળતા મેળવો

   મનની પ્રસન્નતાને સફળતા સાથે સીધો સંબંધ છે. મન પ્રસન્ન હોય તો માનસિક શક્તિમાં આપોઆપ વૃદ્ધિ થાય છે. સમર્થ ગુરૂ રામદાસે કહ્યું છે કે, 'મનની પ્રસન્નતાથી માનસિક અને શારીરિક કષ્ટ દૂર થઈ જાય છે.' પ્રસન્નતાને અને સફળતાને એક એ રીતે પણ સંબંધ છે કે જો મન દુઃખી હોય અને ગમગીની સાથે કામ કરવામાં આવે તો તમારું સમગ્ર ધ્યાન તમારા મૂડ પર અને તકલીફ પર જ રહેશે, પણ જો તમે બધું જ ભૂલીને પ્રસન્નચિત્તે કામ કરશો તો મનની તમામ શક્તિને તમે એ કામમાં લગાવી શકશો જેથી બહુ સરળતાથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. તો સફળતા અપાવતી પ્રસન્નતા મેળવવા ની થોડી ટિપ્સ જાણી લઈએ.
  •  સકારાત્મક વિચારસરણીનું મહત્વ સમજો. જે પણ ઘટના બને તે સકારાત્મક રીતે લો. કોઈ કામ અધૂરું રહે કે તેમાં નિષ્ફળતા મળે, તો પણ તમે નેગેટિવ ન બનો. આજે અધૂરા રહેલા કામ કાલે જરૂર પૂર્ણ થશે તે વિશ્વાસ રાખો.
  •  જાતનું સન્માન કરો અને જાતને મહત્વપૂર્ણ માનો. આ ભાવના મનને પ્રસન્ન રાખે છે. આત્મસન્માનથી સફળતાનો માર્ગ પણ મોકળો બને છે. જો તમે લઘુતાગ્રંથિથી પીડાતા રહેશો તો આ મર્યાદા તમને સક્સેસથી હંમેશા દૂર રાખે છે.
  •  આત્મસન્માન સાથે પોતાના કામનું પણ સન્માન કરો. ક્યારેક ખુદની કૃતિને પણ વખાણો. આ aatmનથી પણ પોતાના કાર્ય અને મહેનત નું સન્માન છે.
  •  સહ કર્મચારી કે બોસની ખામીઓના શોધો પરંતુ આપણી મર્યાદા ને શોધી તેને દૂર કરવાનો પ્રયાસ શરૂ કરી દો મર્યાદા ને લઈને ક્યારેય હતાશ ન થાવ પૂર્ણ કોઈ નથી હોતું પણ પૂર્ણતા તરફની ગતિ જ સફળતા તરફ લઈ જાય છે.
  •  વ્યક્તિત્વની પ્રભાવશાળી બનાવો સુંદર આકર્ષક મનમોહક બાહ્ય વ્યક્તિત્વ ની અસર આંતરિક ભાવો પર પણ પડતી હોય છે તમે જ્યારે સુંદર દેખાતા હશો ત્યારે તમે બધું કોન્ફિડન્ટ ફીલ કરશો.

   

જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ

   કેળાની છાલ નકામી છે એમ સમજીને ફેકી દઈએ તે જ્ઞાનમાર્ગ કહેવાય. તે છાલ પણ ઉપયોગી છે એમ સમજી પ્રેમભાવથી ગાયને ખવડાવી દઈએ તે ભક્તિ માર્ગ કહેવાય. નકામી ગણીને ફેંકી દીધેલી છાલ કોઈને લપસવાનું કારણ બનશે. ગાયને પ્રેમભાવથી ખવડાવેલી છાલ દૂધ બની જીવનને પોષનારી બનશે. આ રીતે જ્ઞાનમાર્ગમાં લપસવાનો ભય છે. ભક્તિમાર્ગમાં આવો ભય નથી. પ્રભુ સમીપે પ્રેમ અને આનંદ સાથે કાર્ય - સેવાના કાર્યો કરીએ એટલે ભક્તિમાર્ગ. 

અન્ય સામે બુદ્ધિશાળી થવું સરળ

   જાહેરમાં ભાષણનો તો સાંભળ્યા જ હશે. વક્તાની વાણીથી ખૂબ પ્રભાવિત થયા હશો. પણ જરૂરી નથી કે તે બોલે તે બધું જ સાચું અને એનું મૌલિક હોય. તે ઉપરાંત જે બોલાતું હોય એ બધું તે વ્યક્તિ પાળતી હોય. આ મોટી સચ્ચાઈ છે. બીજાને શીખવનારા, પ્રભાવિત કરનારા લોકો પોતે આટલા સમર્થ, સારા કે શ્રેષ્ઠ હોય એ જરૂરી નથી હોતું. છેવટે તો તે પણ માણસ જ છે અને માણસ માત્ર પોતાની સામેવાળાને આંજી નાખવાની કળા વિકસાવી શકે છે. આવી વ્યક્તિને તેની પોતાની સાથે ચોવીસ કલાક વીતાવવાના હોય છે. તેમાં તેને તકલીફ પડે છે તે સમજજો.તેને જો બે - ચાર દિવસ ભાષણ આપવાનું ન હોય તો તે રહી ન શકે. ઉપાય એક જ છે,  કે રોજેરોજ આપણામાં સુધારો કરવો, શું બોલ્યા, ક્યાં બોલ્યા, કેવું બોલ્યા એ વિચારવું. તમામ સમસ્યાનો ઉકેલ મળી જશે. 

જે પકડાય તેનો જ દોષ

  રહિમન વે નર મર ચુકે જે કહું માંગન જાયે
  ઉનસે પહલે વે મુએ જિન મુખ નિકસત નાહી 

  રહીમદાસે કહ્યું છે કે, જે કંઈ પણ કોઈની પાસે માંગે તે મૃત્યુ પામેલ કહેવાય. આ વાત એટલે યાદ આવી કે, આજે આપણી સ્થિતિ મોટાભાગે આવી જ છે. કોઈને નાણાં, કોઈને કીર્તિ, કોઈને સત્તા તો કોઈને માન-સન્માન જોઈએ છે. માગીને ભેગું કરવું છે. સ્વયં સામેથી મળે તેવું કોઈ કાર્ય કરવું નથી. હવે તો ટેલિફોન પર પણ વિવિધ સેવા મેળવવા સામેથી કહેવાય છે કે, આટલા તમે આપો તો અમે તમને 'ફલાણું' આપીએ. બધે જ દુકાનો ચાલે છે, કારણકે ગ્રાહક છે અને ગ્રાહક છે એટલે દલાલ પણ છે. ટાંકણીના છેડે લોટ ચોપડી નદી કે દરિયામાં નાખી એટલે માછલી ફસાય. વાંક કોનો? ફસનારનો જ. જે પકડાય તેનો જ દોષ. 

શું જોઈએ છે તે પહેલા નક્કી કરો

   આજના યુગમાં સમાજમાં એવી અનેક શિક્ષિત વ્યક્તિઓ છે કે જેઓ બધી રીતે સુખી સંપન્ન છે અને પોતાની ફરજ પણ કુશળતાપૂર્વક બજાવે છે. છતાં એવું કહેતા સંભળાય છે કે સુખ - શાંતિ ક્યારે મળશે? જ્યારે જુઓ ત્યારે દૈનિક જીવનચર્યાની 'હાય - વોય.' આવી વ્યક્તિઓના જીવન પ્રત્યેના વિચારો જ કંઈક જુદા જણાય. રણમાં રેતી મળે, દરિયામાં ખારું પાણી મળે અને આંબા પર મીઠી કેરી મળે. આ વાત તેમને સમજાતી નથી. માનસિક સ્થિતિ જ વિપરીત દિશામાં જતી હોય ત્યારે શું થાય? શિક્ષણ છે, સુખી પરિવાર છે, બે છેડા સરળતાથી ભેગા થાય છે છતાં સુખ - શાંતિ માટે બૂમો પાડવી? જે છે તેનાથી વધુ શું જોઇએ છે? નક્કી કરો અને મચી પડો તો ચોક્કસ મળશે. કોઈને પરિસ્થિતિની ફરિયાદ કરવાથી કંઈ હાંસલ થવાનું નથી. 

વ્યક્તિની ટેવની શક્તિ કેટલી?

   અંગ્રેજીમાં એક કહેવત છે કે, ટેવ એ સ્વભાવનું બીજું નામ છે. માનવીની ટેવ તેના રગેરગમાં પ્રસરેલી હોય છે. તે છોડવી મુશ્કેલ છે. અમેરિકી ઉદ્યોગપતિ હેનરી ફોર્ડ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતી. ખેડૂતના દીકરા હેનરી ફોર્ડે પોતાની મહેનત અને પ્રતિભાના જોરે સાધન સંપન્ન બન્યા, પણ જ્યારે તેઓ હોટેલમાં જતા તો સસ્તામાં સસ્તો રૂમ બુક કરાવતા. જ્યારે તેમનો પુત્ર મોટો થયો ત્યારે તે જ હોટેલમાં તે મોંઘામાં મોંઘો રૂમ બુક કરાવતો. એક વખત હોટેલના મેનેજરે હેનરી ફોર્ડને પૂછ્યું કે, તમે સૌથી સસ્તા ભાડાના રૂમમાં અને તમારો પુત્ર સૌથી મોંઘા ભાડાના રૂમમાં રહે છે, આવું કેમ? ત્યારે હેનરી  ફોર્ડે જવાબ આપેલો કે તે એક  ઉદ્યોગપતિ નો પુત્ર છે અને હું ખેડૂતનો. 

વિશ્વાસ આત્મીયતા ઊભી કરે છે

   'વિશ્વાસ' એક એવી શક્તિ છે જે સાચા અર્થમાં બે વ્યક્તિઓ વચ્ચે આત્મીયતા ઊભી કરે છે. સહકાર અને સદ્દભાવ સર્જે છે, પરંતુ જો એકબીજા પર વિશ્વાસ ના હોય તો સંબંધો ઈમારત, રેતીની ઇમારતની જેમ ગમે ત્યારે કડડભૂસ થઈ જાય છે. કોઈને તમારા મનની વાત કરતા પહેલા એ ખાતરી કરી લો કે જેને તમે તમારી વાત કહી રહ્યા હો તે એના સુધી જ મર્યાદિત રહેશે. કેટલાક ઘરોમાં એવું જોવા મળે છે કે, નાની વાતોને પણ મોટું સ્વરૂપ આપવામાં આવતું હોય છે. આવા કુટુંબોનો સંપર્ક એવો ઝડપી હોય છે તમે કોઈ વાત કરો, પાંચ મિનિટ પણ નહીં લાગે અને ઘરના દરેક સભ્યો દ્વારા આપના સામે એ આવી જાય છે. ત્યારે તમને થશે કે તમે આ વાત ક્યાં કરી? 

મળ્યું એને મેળવવા મથામણ કર નહીં

   ભગવાનના દર્શન કેવી રીતે થાય? આ કરું કે પેલું કરું? વાંચ્યું, સાંભળું તે મનમાં ભરી કર્મના કાંડો કર્યા પણ ભટકી ગયા. ભગવાન મળેલો જ છે, મેળવવા કશું જ નથી કરવાનું. અંદરનો ખાલીપો જ ભગવાનની પ્રાપ્તિ કરાવે. મોકળા મને તેના ગુણગાન - ભજન ગાઓ. આ અંગે જાણીતા કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન' એ જનકલ્યાણ માં લખ્યું છે. તેમના જ શબ્દો જોઇએ:
           જે સતત વચ્ચે નડે છે, એ હટાવી જો જરી, 
           દૂર ને દૂર થાતો જા નહી હાથે કરી, 
           વાત છે ખાલી થવાની, તું વધારે ભર નહીં... 
          પાત્રતા એ જ સાચી, સાવ ખાલીખમ્મ થા, 
        આવડે એવા સહજ ખુલ્લા અવાજે ગીત ગા
         કોઈ ભૂલચૂકથી કે કોઈ શ્રાપથી તું ડર નહીં. 

પરાવલંબન જ આળસનો પાયો

   સ્વાવલંબન એ પાશ્વાત્ય સંસ્કૃતિનો પાયો છે. મહેનતનું ફળ લેવું. મહેનત વગર કઈ મેળવશો તો તે ગુમાવવાનો વારો આવશે. રશિયામાં એક મહાનુભાવે મજૂરોની વસ્તીમાં પેન, ચોકલેટ વહેંચવાની શરૂઆત કરી. કોઈએ ન લીધા. તેણે કહ્યું કે, આ ભેટ છે, પણ મજુરોએ જવાબ આપ્યો, મહેનત કરીને જ અમે મેળવીએ છીએ. અન્ય પાસેથી મળેલું ઓશિયાળા બનાવે. આ વિચાર ક્રાંતિ કહેવાય. મફતમાં, દાનમાં કે ભેટમાં કંઈ પણ ન સ્વીકારવું જોઈએ. ધર્મ પરિશ્રમને જ ઉજાગર કરે છે. જે રાષ્ટ્રમાં સમાજસંવર્ધક, સમાજરક્ષક, સમાજપોષક એવા શ્રમની પૂજા થાય તે રાષ્ટ્ર વૈભવના પગથિયે ચડે. 

કુટેવ છોડવી છે તો વિકલ્પ વિચારો

   ઘણા લોકોને સાંભળ્યા હશે કે અમને આ ટેવ છે, પણ છૂટતી  નથી. ક્યારેય વિચાર્યું છે? ટેવ છૂટતી નથી કે તમે નથી છોડતાં. કોણે કોને પકડી રાખ્યા છે?  સિગારેટ પીવાની ટેવ છે. દિવસના 20 રૂપિયાનું પેકેટ પીવાય છે. તો વિચારો એક મહિનાના અને એક વર્ષના કેટલા નાણાં વેડફાયા? કેટલા વર્ષ ટેવ પાળી તે સંખ્યાનો ગુણાકાર કરો તો સેકંડો - હજારો રૂપિયા ધુમાડામાં ગુમાવ્યા. સિગારેટ જેવી ટેવ છોડવા શું કરવું? તત્કાલ ન છૂટે તો વિકલ્પ શોધો. દ્રઢ નિર્ધાર કરો. જીવનમાં અનેક કુટેવો બધાને હોય જ છે. જે છોડશો તો સમય બચશે આરોગ્ય પણ સુધરશે. નાણાં બચશે તે વધારામાં. 

સુખ પતંગિયાં જેવું છે

   હેનરી ડેવિડ થોરોની પંક્તિઓ છે : સુખ પતંગિયાં જેવું છે તેની પાછળ દોડશો તો હાથમાં નહીં આવે પણ હ્ર્દયને ફૂલ જેવું સુંદર - સુગંધી રાખશો તો હળવેથી આવીને ખભા પર બેસી જશે.  મહાભારત લખ્યા બાદ વ્યાસજી ઉદાસ બેઠા હતા. નારદજીએ પૂછ્યું કે, મહાન સર્જન બાદ પણ આનંદ કેમ નથી? વ્યાસજીએ કહ્યું કે,  જવાબ તમે જ આપો.  નારદજીએ જવાબ આપેલો કે,  તમે જ લખ્યું તેના કેન્દ્રમાં માનવી છે, વિવાદ છે, ષડયંત્રો છે, યુદ્ધ અને વિનાશ છે,  હવે એવુ સર્જન કરો કે કેન્દ્રમાં ભગવાન હોય, ત્યારબાદ વ્યાસજીએ ભાગવતની રચના કરી. 

સાચું શિક્ષણ એટલે?

   પરીક્ષામાં ઉતીર્ણ થવું, ઉપાધિ મેળવવી, નૌકરી મેળવવી, પરણી જવું અને જીવનમાં સ્થિર થવું એટલું જ માત્ર શિક્ષણ નથી. પક્ષીઓને સાંભળવા શક્તિમાન થવું, આકાશને નિહાળવું, વૃક્ષની અસાધારણ શોભાનાં અને ટેકરીઓનાં આકારનાં દર્શન કરવાં અને તેમને અનુભવવા, તેમના સાચેસાચ અને સીધા સંપર્કમાં આવવું તે શિક્ષણ છે. તમે જેમ મોટા થાઓ છો તેમ કમભાગ્યે આ જોવાની અને સાંભળવાની સંવેદના અદ્રશ્ય થાય છે. કારણકે પછી તો તમારે ચિંતાઓ હોય છે,  તમારે વધારે પૈસા જોઈએ છે. ચડિયાતી કાર  જોઈએ  છે, વધારે કે ઓછા બાળકો જોઈએ છે. તમે ઝેરીલા, લાલચુ, લોભી, ઈર્ષાળુ બનો છો તેથી આ પૃથ્વીનું સૌંદર્ય નિહાળવાની દ્રષ્ટિ ગુમાવો છો. તમે જો હવે પુસ્તકોમાંથી નહીં પણ તમારી આસપાસ જે બની રહ્યું છે તે નિહાળીને એને સાંભળીને, વિચારવાનો, જોવાનો અને શીખવાનો આરંભ કરશો તો તમે એક જુદા જ માનવી તરીકે - જે બીજાની દરકાર કરે છે,  જેનામાં પ્રેમ છે, જે લોકોને ચાહે છે એવા માનવી તરીકે જીવશો. 

અન્યને સન્માન આપો, તમારો આદર થશે

   અવાજ હંમેશા રણકતો રાખવો. બોલો ત્યારે સસ્મિત બોલો, ભલે ચહેરો ન દેખાય. શબ્દમાં શક્તિ છે, અવાજમાં ઉષ્મા, મનમાં સચ્ચાઈ હોય તો, વિવેક હોય તો સ્મિત સાચું હોય. સામી વ્યક્તિને આવકારો,  તેનામાં રસ લો. If you respect others, others will respect you.  ટીકા કરવાનું ટાળો, વાત કાપી નાખવાનું ટાળો, જે કહેવું હોય તે પરોક્ષ રીતે કહો.  અંતરની ઉષ્મા જ સાચી સ્થિતિ કહેવાય. બે વ્યક્તિના સદ્દભાવ મળે એટલે જીવન સમૃદ્ધ થાય.  આપણા આંતરિક પાસાંની જેમ બાહ્ય પાસાંની સાથે પણ વ્યક્તિત્વને ગાઢ  સંબંધ હોય છે. સુરુચિ,  સાદાઈ અને વિવેક જાળવો,  અતિરેક ટાળો. 

વિદ્યાર્થી જીવનમાં સૌથી વધુ સિદ્ધ કરવા યોગ્ય શું?

   વિદ્યાર્થીજીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવનકાળ છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો અને સગવડની ઉણપ વિશે ફરિયાદ કરવાપણું હોતું નથી. જે આ જીવનકળા જાણતો ન હોય તે હંમેશા આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી, એવી ફરિયાદ કર્યા જ કરે છે અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે તેવાં સાધનો ઉપસ્થિત હોય તો પણ તેને એનું મૂલ્ય સમજાતું નથી, કારણકે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી વંચિત રહી જ જય છે અને ભાવિ સગવડના લાભો તો માત્ર તેમના મનોરાજ્યમાં જ રહી ઊલટી વ્યાકુળતા ઉભી કરે છે.  તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ,  છતાં એમાં જીવનકળાની જ પ્રથમ જરૂર છે. 

ત્રણ શબ્દોનું રહસ્ય

   હિમાલયના શાંત પ્રદેશમાં એક વખત કેટલાક લોકો સંત ગંભીરનાથ પાસે આવ્યા અને લોકસમૂહમાં આવી ઉપદેશ આપવા જણાવ્યું. સંતે હસીને ના પાડી.  તેમણે કહ્યું કે, હું શાંતિથી નિરાંતે સાધના કરી શકું છું. તેમ છતાં લોકોએ આગ્રહ કર્યો અને તેમને ઉપદેશ આપવા જણાવ્યું. ગંભીરનાથે કહ્યું, "જુઓ અને વિચારો." ત્રણ શબ્દો કહ્યા બાદ મૌન ધારણ કરીને તેઓ ધ્યાનમાં બેસી ગયા.  ખુબ વિચાર્યા બાદ જણાયું કે,  બાબાએ જે ત્રણ શબ્દો કહ્યા તે જ રહસ્ય હતું.  મૌન જુઓ, ને  મૌનના મૂલ્ય વિશે વિચારો.  ઈશ્વરપ્રાપ્તિનો એ જ સાચો માર્ગ છે. 

Sunday, June 9, 2019

વિઘ્નોને માત આપી આગળ વધતા રહો

   સફળતા પ્રાપ્ત કરવા માટેનાં અનેક સોપાન વિશે તમે સાંભળ્યું હશે. સફળતા માટે પોઝિટિવ થિંકિંગ, આત્મવિશ્વાસ, પ્રબળ ઇચ્છાશક્તિ અને સાથે સખત મહેનતની જરૂર હોય છે પણ તેની સાથે એક બીજા પોઇન્ટ પર પણ વર્કઆઉટ કરવું જરૂરી છે અને એ છે નિયમિતતા,  તો આજે સફળતાનાં સોપાન વિશે જ વાત કરીશું. 

   આપણે જાણીએ છીએ કે પ્રયત્નમાં રહેલી અખંડિતતા પથ્થરને  પણ પીગળાવી શકે છે. આ માટે એક ઉદાહરણ જોઈએ. એક વિદ્યાર્થી  હતો. તે હંમેશા પરીક્ષામાં નિષ્ફળ જતો હતો. એક દિવસ તેને સખત મળતી નિષ્ફળતાથી તેના ગુરુજી વિદ્યાર્થીથી કંટાળી ગયા અને તેને આશ્રમમાંથી કાઢી મુક્યો. તે ચાલતા ચાલતા એક કુવા પાસે આવ્યો. વિદ્યાર્થીને તરસ લાગી એટલે તે ત્યાં જ રોકાયો અને તેણે પાણી પીધું અને નિરાશ થઈને ત્યાં જ બેસી રહ્યો. 

   એટલામાં એક સાધુ ત્યાંથી નીકળ્યા.  તેમણે આ બાળકને જોયો અને આ રીતે ઉદાસ થવાનું કારણ પૂછ્યું. બાળકે જણાવ્યું કે હું એક વિદ્યાર્થી છું, ગમે તેટલું કરું તો પણ મને સફળતા નથી મળતી. આ સાંભળીને સાધુએ તેને કહ્યું કે જો આ કૂવાની પાળી  પર ઘડાનાં ગોળ નિશાન કેટલા ઊંડાં પડી ગયા છે.  તને  ખબર છે આનું શું કારણ છે,  કારણકે અહીં રોજ આ જ જગ્યા પર ઘડો મુકવામાં આવે છે.  રોજના આ પ્રયાસે પથ્થરને પણ પીગળાવી દીધો અને અહીં આ આકાર થઈ ગયો. તું મહેનત તો કરે છે પણ તારા અભ્યાસમાં નિયમિતતા નથી. જો તું વર્ષના પ્રારંભથી નિયમિત અભ્યાસ કરીશ તો કોઈ તાકાત તને સફળ થતા નહીં રોકી શકે.  ટૂંકમાં કહીએ તો સફળતા માટે કન્ટિન્યુટી જરૂરી છે. ઘણા લોકો સફળતાને આડે થોડાં વિઘ્ન આવતા તે માર્ગને છોડી  દે છે અને પછી નિષ્ફળતા માટે ફરિયાદ કરતા રહે છે. તો સફળતા માટે નિર્ધારિત કરેલા માર્ગે સતત ચાલતા રહેવું એ પણ સફળતાની એક ચાવી છે. 

Saturday, June 8, 2019

આજની ક્ષણનો જાદુ

   કેલિફોર્નિયાની પાલો આલ્ટો સ્કૂલનો હું સુપેરિટેન્ડેન્ટ હતો ત્યારની આ વાત છે. અમારી શાળાના ટ્રસ્ટી બોર્ડના પ્રમુખે મને એક પાત્ર લખ્યો હતો. જે પછીથી અમારા અખબારમાં પ્રસિદ્ધ થયો હતો. પ્રમુખ પોલી ટેનરનો પુત્ર જિમ શાળામાં ભણતો. તેની મુશ્કેલી એ હતી કે તે ભણવામાં ખુબ ધીમો હતી. તેના મમ્મી - પપ્પા અને શિક્ષકો તેનાથી થાકી ગયા હતા,  પણ જિમ હતો ખુબ મીઠો અને આંનદી. કમરામાં બેઠો હોય તી આનંદનું અજવાળું કરી દે. તેના મમ્મી - પપ્પા ઇચ્છતા કે તેનામાં છુપાયેલી શક્તિઓ બહાર આવે. તે ભલે ઓછું ભણી શકે, પણ દુનિયામાં શાંતિથી જીવે. આ જિમ,  હાઈસ્કૂલ પુરી કર્યા બાદ અચાનક એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તેના મૃત્યુ પછી તેની મમ્મીએ આ પાત્ર લખ્યો હતો, જે અખબારમાં પ્રસિદ્ધ થયો હતો.

   "આજે" અમે અમારા વીસ વર્ષના પુત્રની દફનવિધિ કરી. તેનું મૃત્યુ એક મોટરસાઇકલ અકસ્માતમાં થયું. તેને જયારે છેલ્લી વાર મળી ત્યારે જો મને ખબર હોત કે હવે અમે મળવા પામવાના નથી તો હું તેને વારંવાર કહેત, 'જિમ, આઈ લવ યુ. મને તારા માટે ગર્વ છે".

   તેના આવવાથી મારાં અને અમારી આજુબાજુના લોકોના જીવનમાં કેટલો આનંદ ઉમેરાયો છે,  તેના વિશે હું વિચારત. તેના મીઠાં સ્મિતને, તેના ખડખડાટ હાસ્યને,  તેના પ્રેમને મેં માણ્યો હોત.

   પણ,  તેને બદલે મેં તેની મોટેથી રેડિયો વગાડવાની, વાળ વધારવાની, મેલાં મોજાં પલંગ નીચે ઘુસાડવાની આદત માટે તેને વઢયા કર્યું ને તેની સારી બાબતો પર ધ્યાન પણ ના આપ્યું.

   હવે તેની સાથે વાત કરવાની તક મને મળવાની નથી. મારે તેને કેટલું બધું કહેવું હતું તે બધું મનમાં રહી ગયું,  પણ વિશ્વનાં હે મમ્મી - પપ્પાઓ,  તમારી પાસે તક છે. તમારા સંતાનોને તમારે જે પણ કહેવું હોય,  એ કહી દો. એવી રીતે કહી દો જાણે આ તમારી છેલ્લી મુલાકાત હોય. મારો જિમ છેલ્લે મને મળ્યો ત્યારે કહેતો હતો, "હાય, મોમ. હું તને કહેવા આવ્યો છું કે હું જાઉં છું.  આઈ લવ યુ,  બાય'. તેના આ શબ્દો મારાં માટે ખજાનો બની ગયા છે.

   જીમના મૃત્યુ પાછળ જો કોઈ હેતુ કામ કરતો હોય તો એ કદાચ એ હોય શકે,  તે એવો સંદેશો આપી ગયો છે કે જિંદગી માટે, જિંદગીમાં મળેલા સંબધો માટે આપણે બધા હંમેશા ઋણી રહીએ,  આનંદિત રહીયે અને એ આનંદને વ્યક્ત કરીયે.  ખાસ તો પરિવારમાં પરસ્પર પ્રેમ વ્યક્ત કરીયે, પરસ્પર કાળજી રાખીએ.

       કદાચ આ છેલ્લી તક હોય. જે કહેવું છે, આજે જ કહી દો.

                                  -: લાસ્ટ લાઈન :-
     મૃત્યુ તમારી સામે ઉભું હોય, તમારી પાસે એક ફોન થાય તેટલો જ સમય હોય તી તમે કોને ફોન કરો ? તો પછી રાહ કોની જુઓ છો ?


  

માઁ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે

       મમતાને કાયા મળે ત્યારે 'માઁ' ની રચના થાય છે. માઁ એટલે  ઈશ્વરની ઈચ્છા, માઁ વ્યક્તિ નથી અભીવ્યક્તી છે. તે સાક્ષાત સર્જનહારનું સાકાર સ્વરૂપ  છે.  ઈશ્વરને ભજવાથી 'માઁ ' નથી મળતી, 'માઁ ' ને ભજવાથી ઈશ્વર મળે છે.  ઈશ્વર  નિરાકાર  છે,  માઁ  સાકાર  છે. 
God could not be everywhere and therefore he made mothers.

શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ

શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે. સોમવાર એ  હિમાંશુ એટલે  કે ચંદ્રનો દિવસ છે. ચંદ્રદેવની પૂજા  કરવાથી  શિવજીની  પૂજા  પણ  આપોઆપ  થઈ  જાય  છે,  કારણકે  ચંદ્રનું  નીવાસસ્થાન ભુજંગ ભૂષણ  ભગવાન  શિવનું  શીશ  છે. તેથી  શ્રાવણ માસનો  સોમવાર વિશેષ મહત્વ  ધરાવે  છે. શ્રાવણ  માસના  દરેક  સોમવારે કેટલીક  વિશેષ  વસ્તુ  અર્પણ  કરવામાં  આવે  છે.  જેને  શિવામુઠી કહે  છે. પ્રથમ  સોમવારે  એક  મુઠી  ચોખા,  બીજા સોમવારે એક મુઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મુઠી લીલા મગ,  ચોથા સોમવારે એક મુઠી જવ અને જે માસમાં પાંચમો સોમવાર આવતો હોય તો પાંચમા સોમવારે સાથવો ચઢાવવામાં આવે છે.