Tuesday, June 11, 2019

ક્ષણનો સાક્ષાત્કાર

   જીંદગીમાં આવેલી સુવર્ણ તક વેડફી નાખ્યાનો વસવસો ઘણાંને હોય છે. વ્યક્તિ વિચારે છે કે જો એણે અમુક ક્ષેત્રમાં જંપલાવ્યું હોત તો આજે એ ખૂબ જ ધનાઢ્ય હોત, પરંતુ એણે એ ક્ષેત્રના બદલે બીજા ક્ષેત્રમાં જંપલાવ્યું અને પરિણામે આખી જીંદગી જાત ઘસી નાખવા છતાં એ આગળ વધી શક્યો નહીં. માણસ જેવું ફરિયાદ કરનારું બીજું કોઈ પ્રાણી નથી. પોતાની ભીતરની નબળાઈ ઢાંકવા માટે એ સતત ફરિયાદના કિલ્લામાં શરણ લેતો હોય છે. તક ગુમાવ્યાની ફરિયાદ કરી કરીને એ જીંદગીમાં આવતી બીજી તકને પણ ગુમાવે છે. તક ન આવે તો તકને ઉભી કરવી પડે. ઘણી મહાન વ્યક્તિઓએ નિષ્ફળતાને આવનારી નવી સફળતાની નિશાની માની છે. આથી નિષ્ફળતા મળતા એ નિરાશ કે હતાશ થઈને પલાંઠી વાળીને બેસી રહેતા નથી, પરંતુ લાખો નિરાશામાં છુપાયેલી એક આશાને અવિશ્રાંતપણે ખોળતા હોય છે, પરિણામે જીવનમાં આવતો કસોટીનો પ્રત્યેક સમય આવનારી નવી સિદ્ધિના એંધાણરૂપ હોય છે અને તેથી સમર્થ માણસો ક્યારેય ગુમાવેલી તકના રોદડા રડતા નથી, બલ્કે નવી તક સર્જવા પુરુષાર્થ ખેડે છે.
એક એવું ઘર મળે આ વિશ્વમાં, 
 જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, 
 એક એવી હોય મહેફિલ જ્યાં મને, 
કોઈ બોલાવે નહિ ને જઈ શકું. 

No comments:

Post a Comment