Monday, June 10, 2019

"સ્ત્રી સહનશીલ શા માટે!"

   પરમાત્માની દ્રષ્ટિએ નર અને નારી એક સમાન છે. તેમાં ન કોઈ વરિષ્ઠ ન કોઈ કનિષ્ક. સ્ત્રીના જીવનમાં યશ-અપયશ એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક પ્રશંસા તો ક્યારેક ધૃણા. નારીની નમ્રતા અને લજ્જાપણું એ તેના સૌભાગ્યની માફક શણગાર છે. આદિકાળથી ઋષિમુનિઓ તથા દેવતાઓ પણ નારીને નારાયણી કહી છે. પણ કાચની બંધ પેટીમાં રક્ષિત માછલીની જેમ રહેવાનો શો અર્થ? 

   એક તરફ આપણે એકવીસમી સદી તરફ જઈ રહ્યાનું ગૌરવભેર સ્વીકારીએ છીએ, પરંતુ બીજી તરફ અઢારમી સદીના ખ્યાલોને છોડવા નથી. કેવી કરૂણતા. આધુનિકતાની અપનાવી છે, પણ રૂઢિચુસ્તતાને છોડવી નથી. પરંપરાને તિલાંજલિ આપવી નથી. સ્ત્રી-પુરુષ જીવનરથના બે પૈડા છે,  તો એક પૈંડુ આગળને બીજું પાછળ હોય તો આગળ ગતિ કઈ રીતે થાય? 

   આજકાલ સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ચારેબાજુ ફૂંકાય છે અને ઘણા હિમાયતીઓ પણ, સ્ત્રી સંગઠનો, સ્ત્રી મુક્તિ મંડળો, સામાજિક સંધારણા જેવી અનેક સંસ્થા બિલાડીના ટોપની માફક ઉગી નીકળી છે. આટલા સંગઠનો હોવા છતાં સ્ત્રી પર અત્યાચારોનો આંક ઘટવાને બદલે વધી રહ્યો છે. હા, એવું નથી કે સ્ત્રી સહન કરે છે, તેથી નાસમજ છે. એક સતી સ્ત્રી યમરાજને પણ પોતાની પવિત્ર પતિવ્રતાના બળથી હરાવી શકે છે. ગાંધીજીની સફળતા પાછળ પણ કસ્તુરબાનો હાથ હતો. હિલેરી ક્લિન્ટન જેવી અનેક સ્ત્રીઓનો હાથ સફળ પુરુષની પાછળ હોય જ છે. પણ હજુપણ સ્ત્રીઓ સાથે ગુલામ કે મૂંગા પ્રાણીઓ જેવો જ વ્યવહાર થાય છે અને સ્ત્રી સમાજ તરફથી તેને મળેલ "સહનશીલતા અને ત્યાગની મૂર્તિ" ના બિરુદને સાર્થક કરવા ચૂપચાપ બધું સહન કર્યે જ જાય છે અને ત્યારે જ મનમાં મોટી ગડમથલ થાય છે. આ ગડમથલમાંથી જ જન્મે છે પ્રશ્ન? 

  "નિર્જીવ વસ્તુ અને જીવંત સ્ત્રી વચ્ચે કોઈ અંતર ખરું?"

No comments:

Post a Comment