Monday, June 10, 2019

જીવન ઘડતરમાં પાયાનુ જ્ઞાન

   બાળકના જીવન ઘડતરમાં શિક્ષણનું મહત્વ રહેલ છે. શિક્ષણમાં જ્ઞાન અને વિદ્યા રહેલી છે. જીવનનું ઘડતર બાળક પોતાના ઘરમાંથી,  મહોલ્લામાંથી, સમાજમાંથી અને શાળામાંથી મેળવે છે. પરંતુ બધું જ મેળવ્યા પછી પણ પોતાનામાં પાંચ 'વ ' એક 'ચ' અને એક 'શ' ના હોય તો જીવન ઘડતર શૂન્ય છે અને નકામું છે. પાંચ 'વ' એટલે વાણી,  વિવેક, વર્તન, વિનય અને વિદ્યા, આ પાંચ  હોય તો 'ચ' હોય, 'ચ' એટલે ચારિત્ર્ય. જો આ બધું જ હોય પણ 'શ' ન હોય તો?  પછી શું?  'શ' એટલે શિસ્ત. કહેવત છે કે,  'વિદ્યા વિનયથી શોભે છે.' વિવેક સાથે હશે તો વિનય હશે. વિનય હશે તો વર્તન સારું હશે. આ બધું હશે તો વિદ્યા હશે. માણસમાં આ પાંચ વસ્તુનું જ્ઞાન આવી જાય તો  ચારિત્ય શ્રેષ્ઠ હશે. આ બધું હોવા છતાં જીવનમાં શિસ્તની પણ જરૂર છે. કારણકે શિસ્ત વગરનું જીવન નર્કસમાન બની જાય છે. બાળકે શિક્ષણની સાથે શિસ્ત શીખવી જરૂરી છે અને તે મા-બાપ, વડીલો, સમાજ અને શાળામાં ગુરુજનો શીખવે છે. વાણી મીઠી, મધુર અને વિવેકપૂર્ણ રાખવી જોઈએ. વર્તન પણ સારું હોવું જોઈએ. વર્તન  સારું હશે તો તેના મિત્રો અનેક હશે. વિનયપૂર્વક વર્તન કરશે તો તેનું માન સમાજમાં હશે. તેનામાં શિસ્ત હશે તો તેને બધા માન આપશે ને બોલાવશે.

   ઘરમાં કોઈ વડીલ કે માતા ન હોય અને મહેમાન આવે તો તેમને આવકાર આપવો જોઈએ. તેમની સાથે વાણી, વિવેક અને વિનયથી વર્તવું જોઈએ તો જ મહેમાન તમારી કદર કરશે. બાળકના જીવન ઘડતરમાં પાંચ 'વ' એક 'ચ' અને 'શ' હોવું ખૂબ જ જરૂરી છે, જે જીવન ઘડતરની પાયાની ઈંટો છે.


No comments:

Post a Comment